યુકેના ‘લિવિંગ બ્રિજ’નું પ્રતિનિધિત્વ કરવા આતુર સુનાક રામ કથામાં પહોંચ્યા

સપ્ટેમ્બરમાં જી20 સમિટ માટે ભારત પ્રવાસે જનારા પ્રથમ ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન

રુપાંજના દત્તા Tuesday 15th August 2023 03:32 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કોલેજ ખાતે આયોજિત પ્રખ્યાત આધ્યાત્મિક અગ્રણી અને ઉપદેશક મોરારિ બાપુની રામ કથામાં ઉપસ્થિત થયા હતા. મોરારિ બાપુ માનસ વિશ્વવિદ્યાલય સ્થળે તેમની 921મી રામ કથા કરી રહ્યા છે જે બ્રિટિશ યુનિવર્સિટી ખાતે હિન્દુ કાર્યક્રમની વિશિષ્ટ અને પ્રણેતારૂપ ઘટના બની છે. પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક આગામી મહિને 9-10 સપ્ટેમ્બર દરમિયાન જી-20 નેતાઓની શિખર પરિષદમાં હાજરી આપવા નવી દિલ્હી જનારા ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર તરીકે ઈતિહાસ રચશે. યુકેના પ્રાઈમ મિનિસ્ટર તરીકે સુનાકની આ પ્રથમ ભારત મુલાકાત બની રહેશે. તેમના ઘણા કેબિનેટ મિનિસ્ટર્સે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની વાટાઘાટો સંદર્ભે ભારતની મુલાકાતો લીધી છે. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે પણ ગાંધીનગરમાં 17થી 19 ઓગસ્ટ દરમિયાન યોજાનારી જી20 હેલ્થ સમિટમાં હાજરી આપવાના છે. પ્રાઈમ મિનિસ્ટરે યુકેના 1.7 મિલિયન જીવંત સેતુનું પ્રતિનિધિત્વ કરવા સંદર્ભે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વિશેષ મુલાકાત અને વાતચીત કરી હતી.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં પીએમ સુનાકે જણાવ્યું હતું કે ‘હું યુકેના 1.7 મિલિયન ‘લિવિંગ બ્રિજ’નું પ્રતિનિધિત્વ કરવા ભારત જવા માટે ઉત્સુક છું. મને ભારતની મુલાકાત લેવાનો હંમેશાં રોમાંચ રહ્યો છે અને ખાસ કરીને તમે જે વર્ણન (ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર) કર્યું તે વધુ ખાસ બની રહેશે. મારા માટે અંગતપણે આ વિશેષ અર્થસભર અને યાદગાર પળો બની રહેશે.’

તેમણે FTA વિશે કહ્યું હતું કે,‘પ્રાઈમ મિનિસ્ટર મોદી સાથે અમારી સહભાગી પ્રતિબદ્ધતા અને સારું FTA સમાપ્ત કરવા બાબતે સારી વાતચીત થઈ હતી. મેં હંમેશાં કહ્યું છે કે FTA બાબતે કોઈ મનસ્વી સમયમર્યાદા ઈચ્છતો નથી. આપણે ઉતાવળ કરવાના બદલે ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું જોઈએ.’ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ભારત આગામી 2 સપ્તાહમાં યુકે સાથે વાટાઘાટો પૂર્ણ કરવા ઈચ્છુક છે જોકે, એમ મનાય છે કે આમાં વિલંબ થશે અને દીવાલીની ભેટ તરીકે અને બંને દેશમાં ઉજવણીનો માહોલ હોય ત્યારે તેની જાહેરાત થઈ શકે છે.

યુકેની આગામી સામાન્ય ચૂંટણીઓમાં તેમના માટે ‘લિવિંગ બ્રિજ’નું વિશેષ મહત્ત્વ છે તેવા પ્રશ્ને સુનાકે ભારપૂર્વક કહ્યું હતું કે, લોકોના અવાજો સંભળાવા જોઈએ. ‘હું માનું છું કે દરેક જગ્યાએ તેમના અવાજો સંભળાય તે લોકો માટે મહત્ત્વપૂર્ણ હોય છે. અને ઈલેક્શન તેનો મહત્ત્વનો હિસ્સો છે. એક પાર્ટી તરીકે બ્રિટિશ એશિયન કોમ્યુનિટીનો સપોર્ટ મેળવવા મુદ્દે અમને ગર્વ છે. બ્રિટિશ એશિયન અને બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી તરફથી મને અંગતપણે જે સપોર્ટ મળ્યો છે તેનાથી મને કામ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. મને ધર્મમાંથી શક્તિ મળે છે અને હું સફળતા પ્રાપ્ત કરું તેવી ઈચ્છા રાખનારા કોમ્યુનિટીના ઘણા લોકો છે.’

તેમણે કહ્યું હતું કે,‘અમારી પાર્ટીમાં લોર્ડ ડોલર પોપટ દાયકાઓથી આના માટે મોખરે છે અમારા ઉમેદવારોનું પ્રતિનિધિત્વ વ્યાપક બનાવવાનું સારું કામ અમે કરી રહ્યા છીએ તેની ચોકસાઈ પણ તેઓ રાખે છે. હું જ્યારે ઉમેદવાર તરીકે જ પસંદ થયો ત્યારથી લોર્ડ પોપટે પ્રયાસો આરંભ્યા હતા અને આજે હું તમારી સમક્ષ પ્રાઈમ મિનિસ્ટર, કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રથમ નેતા અને મારી પશ્ચાદભૂ સાથેના પ્રથમ પ્રાઈમ મિનિસ્ટર તરીકે બેઠો છું.’

તેમણે કહ્યું હતું કે,‘ હું સમગ્ર દેશ માટે કાર્યરત છું. મેં એવી પ્રાથમિકતાઓ રાખી છે જેનાથી કોઈ પણ બેકગ્રાઉન્ડ હોય, દરેકને લાભ થાય. મારું વિઝન એવા દેશનું નિર્માણ કરવાનું છે જ્યાં તમારી પશ્ચાદભૂ, તમારો ઉછેર કર્યાં થયો છે, તમારા પેરન્ટ્સ શું કરે છે તેને ધ્યાનમાં લીધા વિના તમને દરેકને સફળ થવાની અને તમારા અને તમારા પરિવાર માટે હેતુસભર, સમૃદ્ધ અને સંપૂર્ણ જીવનનું નિર્માણ કરવાની દરેક તક પ્રાપ્ત થાય. હું મારી જોબમાં આ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

રામ કથામાં હાજરી આપવા દરમિયાન સુનાક સ્ટેજ પર આરતીમાં સામેલ થયા હતા તેમજ વોલન્ટીઅર્સને પ્રસાદ પણ પીરસ્યો હતો. પ્રસાદ પીરસવા દરમિયાન, નંબર 10 ખાતે રાજકીય સલાહકાર અને આગામી સામાન્ય ચૂંટણીમાં હેન્ડોન માટે સંસદીય ઉમેદવાર કાઉન્સિલર અમીત જોગીઆ પણ તેમની સાથે જોડાયા હતા.

રામાયણમાંથી પીએમને કઈ પ્રેરણા મળી તે બાબતે ઉત્તર આપતા શ્રી સુનાકે તેમના દાદીમા સાથે વીતાવેલા બાળપણની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘દાદીમા મારી સાથે રહેતા ત્યારે હું તેમનાં માટે રામાયણની વીડિયોઝ મૂકતો હતો. લવ-કુશની વાત આવી ત્યારે તેમને વ્યસ્ત રાખવા વધુ વીડિયોઝ મૂકતો હતો. મારા માટે આ વિશેષ સ્મરણ છે. હું હનુમાન ચાલીસા ગણી સાંભળતો. હનુમાનજીની કથા ભારે પ્રેરણાદાયી હતી. અને મેં કહ્યું તેમ મારે મુશ્કેલ કામ કરવાનું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter