યુકેનાં તમામ ટ્રાવેલ કોરિડોર બંધઃ ક્વોરેન્ટાઈન ફરજિયાત

Wednesday 20th January 2021 07:19 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પ્રવાસીઓ માટે સોમવાર ૧૮ જાન્યુઆરીથી યુકેનાં તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાની જાહેરાત કરી હતી. બ્રાઝિલમાં કોરોનાનો નવો વાઈરસ મળી આવ્યા પછી યુકે દ્વારા સાઉથ અમેરિકાના ૧૫ દેશ, પોર્ટુગલ તેમજ અન્ય કેટલાક દેશોનાં પ્રવાસીઓ અને ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ઓછામાં ઓછાં ૧૫ ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
વિદેશથી કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના સંક્રમણને અટકાવવાની યોજના અન્વયે યુકે આવનારા તમામ લોકોએ નવી ક્વોરેન્ટાઈન હોટેલ્સમાં ફરજિયાત રોકાવું પડશે. લોકો વિદેશથી યુકે આવે ત્યારે તેઓ એકાંતવાસમાં રહે તેની ચકાસણી કરવા ફેસિયલ રેક્ગનિશન અને જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સૂચના પણ અપાઈ છે. બ્રિટન આવતા તમામ પ્રવાસીએ તેમનો ૭૨ કલાક પહેલાનો કોરોના વાઈરસનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને રિપોર્ટ નેગેટિવ હોય તેમ છતાં, યુકેમાં ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. ઇન્ટરનેશનલ મુસાફરો માટે ફરજિયાત ૧૪ દિવસ ક્વોરન્ટાઈન રહેવાનુ પાલન કરવું પડશે. આઈસોલેશનનો સમય ઘટાડવા માટે પ્રવાસી પાંચ દિવસ પછી ફરી કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી શકશે. યુકેમાં કુલ કેસની સંખ્યા વધીને ૩૩,૨૫,૬૪૨ અને મૃત્યુઆંક વધીને ૮૭,૨૯૫ થયો છે.

દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલની ફ્લાઇટ પર પ્રતિબંધ

બ્રાઝિલમાં કોરોનાના નવા સ્ટ્રેનના રિપોર્ટ બાદ UKએ દક્ષિણ અમેરિકાના ૧૫ દેશ અને પોર્ટુગલની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, આ નવો સ્ટ્રેન યુકે પહોંચવાના કોઈ રિપોર્ટ નથી. બીજી તરફ, એમ જાહેર કરાયું છે કે ૧૧ બ્રિટિશર બ્રાઝિલમાં જોવા મળેલાં નવા કોરોના વાઈરસ વેરિએન્ટનો ચેપ ધરાવે છે. જોકે, તેનાથી કેટલું જોખમ છે તે હતું સ્પષ્ટ નથી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે શુક્રવારથી પોર્ટુગલના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાગવાયો છે કારણકે દક્ષિણ અમેરિકાથી યુરોપ આવતા મોટાભાગના લોકો પોર્ટુગલ થઈને આવે છે. બીજી તરફ, પોર્ટુગલના વિદેશ પ્રધાન અગસ્ટો સાન્ટોસ સિલ્વાએ યુકેના નિર્ણયને કોઈ કારણ વિનાનો જણાવી કહ્યું કે તેઓ આ બાબતે બ્રિટિશ સરકાર સાથે વાત કરશે.

ન્યૂ ઝીલેન્ડ સહિતના દેશોમાં આઈસોલેશન ચાર્જ

સન્ડે ટાઈમ્સના અહેવાલ અનુસાર સિવિલ સર્વન્ટ્સને ન્યૂ ઝીલેન્ડની આઈસોલેશન પોલિસીનો અભ્યાસ કરવા સૂચના અપાઈ છે. ન્યૂ ઝીલેન્ડમાં વિદેશથી આવતા પ્રવાસીઓને એરપોર્ટ પરની હોટેલમાં બે સપ્તાહ માટે આઈસોલેશનમાં રખાય છે અને તેમની પાસેથી ચાર્જ વસૂલાય છે. ઓસ્ટ્રેલિયામાં વિદેશી પ્રવાસી પાસેથી હોટેલમાં ૧૪થી ૨૪ દિવસ જેટલા એકાંતવાસ માટે ૧,૫૦૦થી ૨,૫૦૦ પાઉન્ડ સુધીનો ચાર્જ વસૂલાય છે. પોલેન્ડની મજબૂત આઈસોલેશન સિસ્ટમની પણ ચર્ચા થઈ છે જેમાં, લોકોનો દરરોજ સંપર્ક કરાય છે અને તેઓ જ્યાં એકાંતવાસમાં હોય ત્યાંની પોતાની તસવીર મોકલવા જણાવાય છે. આ તસવીરને જીપીએસ ડેટા અને ફેસિયલ રેક્ગનિશન સોફ્ટવેર સાથે ક્રોસ ચેક કરવામાં આવે છે. જો વિદેશી પ્રવાસી આદેશનો ભંગ કરે તો પોલીસ ત્યાં પહોંચી કાર્યવાહી કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter