લંડનઃ બ્રેક્ઝિટ પછી બ્રિટન પોતાની વિદેશ અને વેપારનિતિમાં ધરમૂળથી ફેરફાર કરી રહ્યું છે. દૂરોગામી અસર નીપજાવે તેવા નીતિ પરિવર્તનમાં બ્રિટન પોતાના અણુશસ્ત્રોનો જથ્થો ૨૬૦ સુધી વધારવાની યોજના ધરાવે છે. અત્યાર સુધી બ્રિટન અણુશસ્ત્રોનો જથ્થો ઘટાડવાની નીતિ ધરાવતું હતું. યુનાઈટેડ નેશન્સે અણુશસ્ત્રો વધારવાનો બ્રિટનનો નિર્ણય NPTને સુસંગત નહિ હોવાનું જણાવ્યું છે.
બોરિસ સરકારે ૧૧૪ પાનાની ‘ગ્લોબલ બ્રિટન ઈન કોમ્પિટેટિવ એજ’ મથાળા હેઠળ સિક્યુરિટી, સંરક્ષણ, ડેવલપમેન્ટ અને ફોરેન પોલિસીની સુગ્રથિત સમીક્ષા જાહેર કરી છે. યુકે સરકારે ૨૦૧૦માં તેના ૨૨૫ અણુશસ્ત્રોનો જથ્થો મહત્તમ ૨૨૫થી ઘટાડી ૨૦૨૦ની મધ્ય સુધીમાં ૧૮૦ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ટેકનોલોજિકલ અને સૈદ્ધાંતિક જોખમોમાં વૃદ્ધિ અને સુરક્ષા વાતાવરણમાં બદલાવને ધ્યાનમાં રાખી અણુશસ્ત્રોનો જથ્થો ઘટાડવાનું શક્ય લાગ્યું નથી. જોકે, સ્વતંત્ર સંશોધન સંસ્થા ન્યુક્લીઅર ઈન્ફોર્મેશન સર્વિસના ડાયરેક્ટર ડેવિડ કલને આ પગલાંને ભારે ઉશ્કેરણીજનક ગણાવ્યું છે.
વડા પ્રધાન જ્હોન્સને સાંસદો સમક્ષ રણનીતિ જાહેર કરતા કહ્યું હતું કે યુકેએ વિરોધી મૂલ્યો ધરાવતા દેશો સામે સ્પર્ધાની કળા ફરી શીખવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે યુકે નાટો ડિફેન્સ એલાયન્સ તેમજ યુરોપમાં શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
અણુશસ્ત્ર બિનપ્રસાર સંધિ (NPT) ૧૯૭૦થી અમલી બની છે અને બ્રિટન સહિત ૧૯૧ દેશોએ તેના પર સહી કરી છે. આ સંધિ અણુ નિઃશસ્ત્રીકરણ હાંસલ કરવા કાનૂની રીતે બંધનકારી કટિબદ્ધતાઓ ધરાવે છે.
યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના મુખ્ય પ્રવક્તા સ્ટીફાની દૂજારિકે અણુશસ્ત્રોનો જથ્થો વધારવાનો બ્રિટનનો નિર્ણય NPTને સુસંગત નહિ હોવાનું જણાવ્યું છે. પ્રવક્તાએ કહ્યું હતું કે વિશ્વને અણુશસ્ત્રોથી મુક્ત કરવાના લક્ષ્ય અને તે માટેના પ્રયાસોને યુકેએ સપોર્ટ કર્યો છે પરંતુ, યુએનને લાગે છે કે આ જાહેરાત તમામ અણુશસ્ત્રો ધરાવતા રાષ્ટ્રોએ નિઃશસ્ત્રીકરણની પ્રતિબદ્ધતા દર્શાવી છે તેને સુસંગત નથી. અગાઉ, દૂજારિકે યુકેની જાહેરાત પ્રત્યે માત્ર ચિંતા વ્યક્ત કરી હતી.


