લંડનઃ બ્રિટિશ નાગરિકો સહિત વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ૧૪ દિવસના ફરજિયાત ક્વોરેન્ટાઈન નિયમોથી નારાજ બ્રિટિશ એરવેઝ, રાયનએર અને ઈઝીજેટ દ્વારા સરકાર વિરુદ્ધ સંયુક્ત કાનૂની કાર્યવાહી શરુ કરાઈ છે. એરલાઈન્સ દ્વારા દલીલ કરવામાં આવી છે કે બે સપ્તાહનો ફરજિયાત ક્વોરેન્ટાઈન નિયમ ભેદભાવપૂર્ણ, અતાર્કિક અને અપ્રમાણસરનો હોવાથી તે ગેરકાયદે છે. નવા નિયમોથી જુલાઈમાં ફ્લાઈટ્સ શરુ કરવાની તેમની તૈયારી પર પાણી ફરી વળ્યું છે.
વિમાન કંપનીઓનું કહેવું છે કે ૮ જૂન સોમવારથી અમલી કરાનારો નિયમ તેમની સાથે પરામર્શ વિના જ ઘડાયો છે અને બિઝનેસીસના પુનઃનિર્માણના તેમના પ્રયાસોનો નાશ કરશે. પ્રી-એક્શન લેટર જણાવે છે કે યુરોસ્ટારમાં પ્રવાસ કરનારા ‘વીક્લી કોમ્યુટર્સ’ જેવાં ફ્રેન્ચ બેન્કર્સને આ નિયમમાંથી મુક્તિ મળશે પરંતુ, ઉનાળાની રજાઓ પર જનારા બ્રિટિશ પરિવારોને મુક્તિ નહિ મળે. અન્ય યુરોપીય દેશોની સરખામણીએ યુકેમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઘણી વધુ છે. તફાવત એટલો ભારે છે કે યુરોપીય યુનિયનમાંથી યુકેમાં પ્રવેશનારી વ્યક્તિઓ પર સ્વએકાંતવાસ લાદવાનું સરકાર માટે અતાર્કિક અને ગેરવાજબી છે.
બ્રિટિશ એરવેઝની પેરન્ટ કંપની IAGના વકીલો કહે છે કે આ નિયમો તર્કહીન અને અપ્રમાણસરના હોવાથી ગેરકાયદે છે. આ નિયમો યુકેમાં આવતા સ્કોટલેન્ડ, વેલ્શ અથવા નોર્ધર્ન આયર્લેન્ડના રહીશ વ્યક્તિને લાગુ નહિ પડે તેમજ બ્રિટનથી નીચા ઈન્ફેક્શન દર સાથેના દેશોને પણ તે લાગુ પડતા હોવાથી તેને વાજબી ઠરાવી શકાય નહિ.
બ્રિટિશ એરવેઝને જુલાઈ મહિનાથી તેની ૪૦ ટકા નિયત ફ્લાઈટ્સ શરુ કરવાની આશા હતી પરંતુ, હવે યોજનામાં બદલાવ લાવશો પડશે. તેને દૈનિક ૨૦ મિલિયન પાઉન્ડની ખોટ જાય છે અને વધારાની ૮૦૦ મિલિયન પાઉન્ડની ટુંકી મુદતના ઋણનો બોજો વધ્યો છે. તેના ૪૩,૦૦૦ના સ્ટાફમાંથી ૧૨,૦૦૦ જેટલા કર્મચારીને લે-ઓફ આપવા મુદ્દે યુનિયનો સાથે તકરાર પણ ઉભી થઈ છે.