યુકેની કંપનીઓ માટે સબસિડી સિસ્ટમ બાબતે કન્સલ્ટેશન પ્રોસેસ

Saturday 13th February 2021 05:51 EST
 
 

લંડનઃ બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે યુકેની ફર્મ્સ માટે બ્રેક્ઝિટ પછીના સમયગાળા માટે સબસિડી સિસ્ટમ બાબતે જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી, એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી (BEIS) સમગ્ર યુકેની કંપનીઓ માટે સબસિડી સિસ્ટમ માટેની દરખાસ્તો પ્રસિદ્ધ કરી છે જે, બ્રેક્ઝિટ પછી ઈયુની સરકારી સહાયના નિયમોનું સ્થાન લેશે. આ દરખાસ્તો માટે ૩૧ માર્ચની રાત્રિ સુધી આઠ સપ્તાહનો કન્સલ્ટેશન સમયગાળો રખાશે

બિઝનેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે લોકલ ઓથોરિટીઝ, જાહેર સંસ્થાઓ અને એડિનબરા, કાર્ડિફ અને બેલફાસ્ટના વિકેન્દ્રિત વહીવટીતંત્રો રાષ્ટ્રવ્યાપી સિદ્ધાંતોને અનુસરી સહાયના નિર્ણયો કરી શકશે. આ સિદ્ધાંતો એવી રીતે તૈયાર કરાશે જેનાથી સબસિડીઓ મારફત મજબૂત લાભ અને કરદાતાઓના નાણાનું યોગ્ય વળતર  મળી શકે. નવી સબસિડી સિસ્ટમ નોકરીઓ ઉભી કરવા ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં નવતર રિસર્ચ અને ડેવલપમેન્ટ આધારિત ઉદ્યોગો સહિત બિઝનેસીસને સપોર્ટ કરશે.

BEIS દ્વારા જણાવાયું હતું કે નવા સ્વતંત્ર રેગ્યુલેટરના નિયંત્રણ હસ્તકની નવી સિસ્ટમ વધુ ફ્લેક્સિબલ હશે અને બિઝેસીસના વિકાસ, ઈનોવેશન તેમજ સ્પર્ધાત્મક બજાર અર્થતંત્રને મદદ કરવાની સાથે યુકેના આંતરિક માર્કેટનું રક્ષણ કરી શકાય તે રીતે તૈયાર કરાશે. આ ઉપરાંત, બિનજરુરી ખર્ચાને પણ અટકાવશે.

કન્સલ્ટેશન પ્રોસેસમાં આ દરખાસ્તો બાબતે વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસીસ અને જાહેર સત્તાવાળાઓના મંતવ્યો મંગાવાયા છે જેમાં, યુકે-ઈયુ ટ્રેડ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટમાં દર્શાવાયા ઉપરાંત, યુકેએ સબસિડી અંકુશો માટે પોતાના સિદ્ધાંતો લગાવવા જોઈએ કે કેમ તેમજ નવી સિસ્ટમ પર નજર રાખતી સ્વતંત્ર સંસ્થાની ભૂમિકા અને જવાબદારી શું હોવી જોઈએ સહિતનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter