યુકેની કાર્બન ટેક્સ મિકેનિઝમ અંતર્ગત ભારતની કાર્બન ક્રેડિટ સ્કીમને માન્યતા

એક જ પ્રોડક્ટ પર ભારત અને યુકેમાં ડબલ ટેક્સેસનમાં રાહત મળશે, બ્રિટિશ આયાતકારો અને ભારતીય નિકાસકારોને મોટી રાહત

Tuesday 08th September 2026 10:12 EDT
 
 

લંડનઃ યુનાઇટેડ કિંગડમે તેની કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) અંતર્ગત ભારતની કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ (CCTS)ને અધિકૃત રીતે માન્યતા આપી છે. યુકેની એચએમ ટ્રેઝરી દ્વારા ભારતના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીને મોકલવામાં આવેલી યાદી અનુસાર, ભારતીય સ્કીમને વિદેશી કાર્બન પ્રાઇસિંગ સિસ્ટમ તરીકે દર્શાવવામાં આવી છે.

જેના પગલે બ્રિટિશ આયાતકારો અને ભારતીય નિકાસકારોને મોટી રાહત મળશે. યુકેના CBAM હેઠળ આવરી લેવાયેલી ભારતીય વસ્તુઓની આયાત કરનારા આયાતકારો ભારતમાં ચૂકવવામાં આવેલ કાર્બન ટેક્સના આધારે દાવો કરી શકશે. આ નિર્ણયથી એક જ પ્રોડક્ટ પર ભારત અને યુકે એમ બંને દેશોમાં બે વાર ટેક્સ ચૂકવવાની પરિસ્થિતિ નિવારી શકાશે.

યુકે 2027થી કાર્બન બોર્ડર ટેક્સ લાગુ કરવા જઈ રહ્યો છે, જે મુખ્યત્વે સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, હાઇડ્રોજન, સિરામિક્સ અને ફર્ટિલાઇઝર જેવા ઉદ્યોગો પર અસર કરશે. આ માન્યતાથી યુકેમાં નિકાસ કરતા ભારતીય વેપારીઓની નાણાકીય જવાબદારી ઘટી શકે છે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધો વધુ સુદ્રઢ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter