લંડનઃ યુકેની કિંગ્સ કોલેજે ભારતના એજ્યુકેશન માર્કેટમાં 750,000,000 અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કિંગ્સ કોલેજ દ્વારા ભારતભરમાં શ્રેણીબદ્ધ ગુણવત્તાયુક્ત બ્રિટિશ સ્કૂલ શરૂ કરાશે. આ સ્કૂલો ભારતીય વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણ મેળવવામાં મદદ કરશે. કિંગ્સ કોલેજ દ્વારા શરૂ કરાનારી શાળાઓમાં 3થી 18 વર્ષના બાળકોને બાળમંદિરથી ધો.12 સુધીનું શિક્ષણ અપાશે.
વિશ્વભરમાં બ્રિટિશ શિક્ષણ પ્રાપ્ત થઇ શકે તે માટે દુબઇ સ્થિત ગ્લોબલ એજ્યુકેશન વેન્ચર દ્વારા કિંગ્સ કોલેજ સાથે ભાગીદારી કરાઇ છે. આ કંપનીને કિંગ્સ કોલેજ દ્વારા ભારત, સિંગાપોર, ચીન, હોંગકોંગ, મકાઉ, દક્ષિણ કોરિયા, નેપાળ, મલેશિયા, ટ્યુનિશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સમાં કિંગ્સ કોલેજના શિક્ષણ સંસ્થાનો શરૂ કરવાના અધિકાર અપાયા છે.
કિંગ્સ કોલેજના ચેર ઓફ ગવર્નર્સ લિન્ડા નેશે જણાવ્યું હતું કે, અમે ભારતમાં વિસ્તરણ કરીને દેશના એજ્યુકેશન માર્કેટમાં યોગદાન આપવા માગીએ છીએ. અમે ભારતના શિક્ષણ સંસ્થાનો સાથે પણ ભાગીદારી કરવા ઉત્સુક છીએ. અમે શૈક્ષણિક કુશળતાના ઉદ્દીપક તરીકે કામ કરી રહ્યાં છીએ. કિંગ્સ કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.


