લંડનઃ યુકેના તમામ પરિવારોની કુલ સંપતિનો ચોથો ભાગ દેશની વસતીના એક ટકા અતિ ધનવાનો પાસે હોવાનું નવા સંશોધનમાં જણાયું હતું. આ સંશોધન દેશમાં અસમાનતાની ઐતિહાસિક અવગણના દર્શાવે છે. અભ્યાસમાં જણાયું કે આ ૧ ટકા અમીરો પાસે સત્તાવાર આંકડામાં સૂચવાયા કરતાં પણ વધુ એટલે કે લગભગ ૮૦૦ બિલિયન અથવા તેનાથી વધુ સંપતિ છે. તેનો અર્થ એ છે કે અગાઉ માનવા કરતાં દેશમાં વધુ અસમાનતા છે. સંશોધકોએ જણાવ્યું કે વધારાના બિલિયન્સ પાઉન્ડ એ માત્ર અંદાજ છે અને વાસ્તવિક રકમ તેના કરતાં પણ વધુ હોઈ શકે.
ધનવાનો કોવિડના પરિણામો અને વૃદ્ધ થતી વસતિની સમસ્યાઓને પહોંચી વળવામાં દેશને મદદરૂપ થાય તે માટે નવો વેલ્થ ટેક્સ નાખવા અથવા હાલની લેવીમાં ધરખમ સુધારો કરવા વિશે વિચારવા મિનિસ્ટરોને કરાયેલા અનુરોધ વચ્ચે આ તારણ આવ્યું છે. મેન્શન ટેક્સ ફરીથી અમલી બનાવવાની પણ માગણીઓ ઉઠી છે.
કુલ સંપત્તિની અંદાજે ૫ ટકા સંપતિ ધરાવતા સૌથી ધનવાન પરિવારો સત્તાવાર પગલાંમાં બચી ગયા હોવાનું રિઝોલ્યુશન ફાઉન્ડેશન થીંક ટેંકના સંશોધકોને જણાયું હતું. તેમણે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા એકત્ર કરાયેલા આંકડાને સન્ડે ટાઈમ્સ રીચ લિસ્ટની માહિતી સાથે સરખાવીને બાકી રહેલી સંપતિ શોધી કાઢી હતી. તેમને જણાયું કે સત્તાવાર માહિતીમાં અતિધનવાન પરિવારોની મિલ્કતોની વિગતોનો સમાવેશ થયો ન હતો. આ નવી મળેલી સંપતિને ગણતરીમાં લેતા ૧ ટકા અમીરો જે સંપત્તિ ધરાવે છે તે ૧૮થી વધીને ૨૩ ટકા થઈ હતી.
૨૦મી સદીના મોટાભાગમાં સંપતિમાં અસમાનતામાં ઘટાડો નોંધાયો હતો. જે ૧૦ ટકા અતિ અમીર હતા તેમની સંપતિ ૯૦ ટકાથી વધુ હતી તે ૧૯૮૦ના દાયકામાં ઘટીને ૫૦ ટકા થઈ હતી. જોકે, તાજેતરના દસકાઓમાં તેમાં સહેજ વધારો અથવા સ્થિર જણાઈ હતી.


