લંડનઃ કોવિડ મહામારીના ગાળામાં યુકે આવનારા પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન હોટેલ્સ પાછળ ટેક્સપેયર્સના ઓછામાં ઓછાં 486 મિલિયન પાઉન્ડ ખર્ચાયા હોવાનું નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના રિપોર્ટમાં જણાવાયું છે. આમાં, આશરે 100 મિલિયન પાઉન્ડના નહિ ચૂકવાયેલા બિલ્સ અને ફ્રોડનો પણ સમાવેશ થાય છે. NAOના રિપોર્ટમાં સરકારની નીતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી.
કોવિડ મહામારી સમયે સરકારની ધારણા એવી હતી કે યુકે આવનારા પ્રવાસી દ્વારા ક્વોરેન્ટાઈન હોટેલ્સમાં રહેવાનો ખર્ચ ચૂકવાશે પરંતુ, કુલ 757 મિલિયન પાઉન્ડના ખર્ચમાંથી એડધાથી વધુ રકમ કરદાતાએ ચૂકવવી પડી હતી. આ રુમ્સનો ઉપયોગ હાઈ રિસ્ક રેડ લિસ્ટ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે કરાયો હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા હોટેલ્સના સંચાલનનો 385 મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ કોર્પોરેટ ટ્રાવેલ મેનેજમેન્ટને જારી કરાયો હતો. જોકે, રુમ્સ અને કોવિડ ટેસ્ટ્સ સંબંધિત આશરે 74 મિલિયન પાઉન્ડની ચૂકવણી મળી ન હતી. આ ઉપરાંત, અન્ય 18 મિલિયન પાઉન્ડ ખોટી રીતે ક્રેડિટ કાર્ડ કેશબેક્સ સ્વરૂપે ક્લેઈમ કરી લેવાયા હતા જે અંગે માત્ર બે કેસની તપાસ કરાઈ હતી.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (DHSC)ને યુકેમાં આવનારા પ્રવાસીઓ ખરેખર સેલ્ફ આઈસોલેટ થયા છે કે કેમ તેની ચકાસણી કરવા હોમ વિઝિટ્સ માટે 114 મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જોકે, જેમણે સેલ્ફ આઈસોલેટ થવું જરૂરી હતું તેમાંથી 33 ટકાએ ખરેખર આમ કર્યું હતું તેના વિશે DHSC કશું સ્પષ્ટ કહી શકી ન હતી.

