લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમની બહુમતી પ્રજા વંશીય સમાનતા, ઈમિગ્રેશન અને જાતિય ઓળખ સહિતના મુદ્દાઓ પર પોતાને કથિતપણે જાગૃત ગણાવતા વોક્સના ઉદારમતવાદી અભિગમો સાથે સહમત હોવાનું એક અભ્યાસના તારણો જણાવે છે. બ્રિટિશ સામાજિક વલણો સંદર્ભે વાર્ષિક સર્વે મુજબ તાજેતરના દાયકાઓમાં વલણોમાં ભારે ઝડપી ફેરફાર જોવા મળે છે. એક સમયે હાંસિયામાં ધકેલાયેલો ઉદારમત ધીરે ધીરે મુખ્ય પ્રવાહમાં આવી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ (NatCen) દ્વારા સર્વેના તારણો અનુસાર ગત 20 વર્ષમાં બ્રિટનમાં જાહેર મતની સમતુલા વધુ સમાવેશી વલણો તરફ આવી છે.
સર્વેના ચાવીરૂપ તારણોમાં ટેક્સ અને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ સહિતના જાહેર ખર્ચામાં વધારા સંદર્ભે લોકોનો સપોર્ટ મજબૂત જણાય છે. ટેક્સતરફી અને જાહેર ખર્ચા તેમજ ધનવાનો પાસેથી આવકોને નીચલા સ્તરના લોકોમાં વહેંચવા માટેનો સપોર્ટ સૌથી ઊંચે પહોંચ્યો છે. સમગ્રતયા 52 ટકાએ જણાવ્યું છે કે સરકારે ટેક્સ વધારવા જોઈએ તેમજ હેલ્થ, એજ્યુકેશન અને સોશિયલ બેનિફિટ્સમાં વધુ રોકાણ કરવું જોઈએ.
સર્વે અનુસાર લંડનમાં ઉદારમતનું વધુ ચલણ છે. ત્રીજા ભાગના લંડનવાસી (34 ટકા) સામાજિક રીતે ઉદારમત ધરાવે છે જેની સામે રાજધાનીની બહારના લોકોમાં આ ટકાવારી માત્ર 19 ટકાની છે. તાજેતરના વર્ષોમાં સાંસ્કૃતિક યુદ્ધના વિવાદો વધી રહ્યા છે જેમાં, બ્રિટિશ સંસ્થાનવાદના વારસા મુદ્દે અસંમતિઓથી માંડી જાતીય, સેક્સ્યુઅલ અને લૈંગિક સમાનતા તરફના પગલાં વધુપડતા આગળ વધી ગયાનો સમાવેશ થાય છે.
આ સર્વેમાં બ્રિટિશનેસ, રાષ્ટ્રીય ગૌરવ, ઈમિગ્રેશનની આર્થિક અને સાંસ્કૃતિક અસરો અને સમાન તક બાબતે વલણો સહિતના મુદ્દાઓ પર વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તારણોમાં જણાયું હતું કેઃ • મોટા ભાગના લોકોમાં બ્રિટિશનેસની મજબૂત ભાવના છે • અડધાથી વધુ (54 ટકા) લોકોએ કહ્યું હતું કે સાચા બ્રિટિશ હોવા માટે બ્રિટનમાં જન્મ લેવો મહત્ત્વનો નથી 2013માં આ સંખ્યા 25 ટકાની હતી • બ્રિટન માટો ભાગના અન્ય દેશોની સરખામણીએ વધુ સારો દેશ હોવાનું માનનારાની સંખ્યા 34 ટકા હતી. આ પ્રમાણ 2013માં 54 ટકા હતું • 20 ટકા લોકોએ 2021માં ઈમિગ્રેશન અર્થતંત્ર માટે ખરાબ હોવાનું જણાવ્યું હતું. આ પ્રમાણ 2011માં 42 ટકા હતું • ઈમિગ્રેશન અર્થતંત્ર માટે સારું હોવાનું જણાવનારાની સંખ્યા 21 ટકાથી વધી 50 ટકા થઈ હતી • અશ્વેત અને એશિયન લોકો માટે સમાન અધિકારો અપૂરતાં હોવાં વિશે લોકોનું સમર્થન વધીને 45 ટકા (વર્ષ 2000માં 25 ટકા) થયું છે • વંશીય સમાનતાનું પ્રમાણ વધી ગયાનું જણાવનારાની સંખ્યા 2021માં ઘટીને 19 ટકા (વર્ષ 2000માં 35 ટકા) થયું છે. લગભગ 33 ટકાએ પ્રમાણ પૂરતું જણાવ્યું હતું • સજાતીય લોકોના અધિકાર અપૂરતાં હોવાનું માનનારાની સંખ્યા 73 ટકા (2013માં 62 ટકા) હતી • આશરે 64 ટકાએ ટ્રાન્સજેન્ડર લોકો માટે અધિકાર અપૂરતા ગણાવ્યા હતા જ્યારે 34 ટકાએ આ અધિકારો પૂરતા ગણાવ્યા હતા.

