લંડનઃ યુકેમાં કાર્ડ અથવા ટેકનોલોજીથી ચુકવણીના પ્રમાણમાં બેન્કનોટ્સની લોકપ્રિયતા ઘટી રહી છે ત્યારે ચલણમાં રહેલી બેન્કનોટ્સનો લગભગ અડધો હિસ્સો વિદેશમાં છે અથવા તો કાળાબજારમાં ઉપયોગ માટે રોકાયેલો હોવાનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડના રિપોર્ટમાં જણાવાયું છે. બાકીનો અડધો હિસ્સો કાયદેસર વપરાશ માટેના નાણામાં છે, જેમાં અંદાજે ૨૫ ટકા ATMમાં નાણા, ગ્રાહકોના પર્સ-વોલેટ્સ, દુકાનોના ગલ્લામાં રહે છે.
રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનાના અંત સુધીમાં વ્યક્તિદીઠ £૧,૦૦૦ની સરેરાશના અંદાજે £૬૨.૬ બિલિયનના મૂલ્યની બેન્કનોટ્સ સર્ક્યુલેશનમાં હતી, જેમાંથી આશરે £૩ બિલિયનથી £૫ બિલિયનના મૂલ્યની નોટ્સ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા લોકોના ઘરમાં સંઘરાયેલી હોઈ શકે. બાકીની વિદેશમાં અથવા ‘શેડો ઈકોનોમી’માં ઉપયોગ માટે હોવાની શક્યતા છે.
યુકેમાં સૌપ્રથમ વખત કાર્ડ અને સ્માર્ટફોન્સ દ્વારા કેશલેસ ચુકવણીઓનું પ્રમાણ નોટ્સ અને સિક્કાના વપરાશથી આગળ વધી ગયું છે. આમ છતાં, ગત ૨૦ વર્ષમાં સર્ક્યુલેશનમાં રહેલી બેન્કનોટ્સનું મૂલ્ય ત્રણ ગણું થયું છે. જોકે, આગામી વર્ષોમાં માલસામાન અને સેવા માટે કે પરસ્પર ચુકવણી માટે ગ્રાહકો સમક્ષ વધુ વિકલ્પો મળી રહેશે, પરિણામે ઘરઆંગણે અર્થતંત્રમાં રોકડનો વપરાશ ઘટતો જશે.
યુકેમાં લોકો પાસે રહેલા નાણામાંથી ૯૭ ટકા તો ઈલેક્ટ્રોનિકલી ડિપોઝીટમાં છે, જ્યારે બાકીના ભૌતિક સ્વરુપમાં છે. આગામી વર્ષોમાં રોકડના સ્વરૂપમાં પણ ધરમૂળ પરિવર્તન જોવા મળશે. ૨૦૧૭થી £૧નો નવો સિક્કો ચલણમાં આવશે તેમ જ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાંચ વર્ષમાં £૫, £૧૦ અને £૨૦ના મૂલ્યની પ્લાસ્ટિક નોટ્સ પણ દાખલ કરનાર છે.