લંડનઃ યુકેની ૯૦થી વધુ મસ્જિદોને મુલાકાતીઓ માટે ખુલ્લી કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસ્લિમો પોતાના ધર્મ વિશે સમજ આપી શકે. ધ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને આશા વ્યક્ત કરી હતી કે રવિવારે મુલાકાતીઓ માટે ખુલ્લો દિવસ ફેઈથ કોમ્યુનિટીઓ માટે તણાવગ્રસ્ત માહોલમાં એકતાનું દર્શન કરાવશે. યુકેની કુલ વસ્તીના આશરે પાંચ ટકા એટલે કે આશરે ૩૦ લાખ લોકો મુસ્લિમ છે અને અંદાજે ૧,૭૫૦ મસ્જિદ છે. ‘ઓપન ડે’ યોજનામાં લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર, લીડ્ઝ, ગ્લાસગો, કાર્ડિફ અને બેલફાસ્ટની મસ્જિદોનો સમાવેશ થાય છે.
ગત શનિવારે બર્મિંગહામમાં પેગિડા એન્ટિ-મુસ્લિમ મૂવમેન્ટના સમર્થકો દ્વારા મૌનકૂચના પગલે ‘ધ વિઝિટ માય મોસ્ક ડે’નો નિર્ણય લેવાયો છે. મૌનકૂચમાં ૨૦૦થી ઓછાં લોકો હાજર રહ્યાં હતાં, પરંતુ કૂચને ઈસ્લામ વિશે પ્રવર્તતા ભયનું પ્રતીક ગણી તેનું નિવારણ કરવા મસ્જિદોને અન્ય ધર્મીઓ માટે ખુલ્લી મૂકવાની યોજના આવી છે. પેરિસ હુમલા પછી લંડનમાં મુસ્લિમવિરોધી હુમલાઓ વધ્યા છે.
સેન્ટ્રલ લંડનના ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરના ડિરેક્ટર ડો. અહમદ અલ-દુબાયાને કહ્યું હતું કે,‘આ પગલું તેમના ધર્મ વિશે પ્રવર્તમાન ગેરસમજને દૂર કરવાની દિશામાં છે.’ રિજેન્ટ્સ પાર્ક મોસ્કના ઓપન ડે નિમિત્તે ઘણા બિનમુસ્લિમોએ તેની મુલાકાત લીધી હતી. માન્ચેસ્ટરની ખિઝરા મસ્જિદના સજ્જાદ અમીને કહ્યું હતું કે મસ્જિદોમાં દૈનિક ધોરણે શું થાય છે તે જોવા અન્યોને છૂટ આપી અમે સમજ આગળ વધારવા સાથે અવરોધોને તોડી રહ્યા છીએ.’ બીજી તરફ, સંયુક્ત મુસ્લિમ-જ્યુઈશ ઓર્ગેનાઈઝેશન જોસેફ ઈન્ટરફેઈથ ફાઇન્ડેશનના મેહરી નિકનામે કહ્યું હતું કે મુસ્લિમો સામે ઈસ્લામ વિરુદ્ધ ગેરસમજ દૂર કરવાનો મોટો પડકાર છે.


