યુકેની મહિલા એડવોકેટની પાકિસ્તાનમાં કરાયેલી હત્યા

Wednesday 12th May 2021 06:36 EDT
 
 

લંડનઃ, લાહોરઃ લંડનની ૨૪ વર્ષીય લો ગ્રેજ્યુએટ માયરા ઝુલ્ફીકારની હત્યા સબબે પાકિસ્તાની પોલીસ બે વ્યક્તિની તલાશ ચલાવી રહી છે. આ બંને વ્યક્તિએ તેમની સાથે લગ્ન કરવા માયરા પર દબાણ કર્યું હોવાનું કહેવાય છે. ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે માયરા બેલ્જિયન નાગરિક હતી અને યુકેમાં વસતી હતી. માયરાનો મૃતદેહ લાહોરમાં ભાડે રખાયેલા ફ્લેટમાંથી સોમવાર ત્રીજી મેએ મળી આવ્યો હતો.

માયરાએ તેની હત્યાના બે સપ્તાહ અગાઉ બંદૂકની અણીએ તેનું અપહરણ કરાયાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. બીબીસીના જણાવ્યા અનુસાર તેણે પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે એક પુરુષે તેના પર જાતિય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, આસપાસ ઉભેલા લોકોને એલર્ટ કરી તે નાસી છૂટવામાં સફળ રહી હતી. તેના અપહરણકારે તેને ‘તું નાસી શકશે નહિ. હું તને મારી નાખીશ’ એવી ધમકી આપ્યાનું કહેવાય છે

મૂળ પાકિસ્તાનની અને યુકેમાં રહેતી માયરા બે મહિના અગાઉ તેના પેરન્ટ્સ સાથે પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે લંડનથી પાકિસ્તાન પહોંચી હતી. તેના પેરન્ટ્સ યુકે પાછા ગયા હતા અને માયરા લાહોરમાં રોકાઈ હતી. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર બે મુખ્ય શકમંદ સહિત ચાર પુરુષ સોમવારની વહેલી સવારે પ્રોપર્ટીમાં ઘૂસ્યા હતા. માયરાને હાથ અને ગરદનમાં ગોળી મરાયા પછી તેનું લોહી વહી ગયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું.

માયરાના કાકા અને લાહોરના રહેવાસી મોહમ્મદ નાઝીરની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી હતી. નાઝીરે જણાવ્યું હતું કે  બે પુરુષ મિત્રો દ્વારા લગ્નના પ્રસ્તાવો ફગાવી દીધા પછી માયરા તેમની સાથે વિવાદમાં ફસાઈ હતી અને આ પુરુષોએ ગંભીર પરિણામોની ધમકી આપી હોવાનું માયરાએ તેને કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter