યુકેની માઈગ્રન્ટ વસ્તીમાં ત્રીજાથી વધુ હિસ્સો યુરોપીય દેશોમાંથી છે

Saturday 08th August 2015 07:22 EDT
 
લંડનઃ બ્રિટનની વિદેશમાં જન્મેલી વસ્તીનો ત્રીજાથી વધુ હિસ્સો હવે યુરોપથી આવ્યો હોવાનું સત્તાવાર અભ્યાસ કહે છે. અગાઉ, બ્રિટનની માઈગ્રન્ટ વસ્તીમાં કોમનવેલ્થ દેશોમાંથી આવેલી વંશીય લઘુમતીનું પ્રભુત્વ હતું. યુરોપથી આવેલી ૨.૧ મિલિયનની માઈગ્રન્ટ વસ્તીમાં ૫૨૮,૦૦૦ પોલેન્ડવાસી, ૧૦૦,૦૦૦ લિથુઆનીઅન્સ અને ૮૦,૦૦૦ રોમાનિયન્સ છે. યુકેમાં આઠ વ્યક્તિમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ વિદેશમાં જન્મેલી છે અને સૌથી મોટી ‘વંશીય લઘુમતી’ હવે ‘નોન-બ્રિટિશ વ્હાઈટ્સ’ છે. બ્રિટનમાં વ્હાઈટ અને વિદેશમાં જન્મેલા તરીકે નોંધાયેલા ૨.૧ મિલિયન લોકોના ૭૦ ટકાથી વધુ તો ૨૦૦૧-૨૦૧૧ની વચ્ચે યુકેમાં આવ્યા હતા. લેબર વડા પ્રધાન ટોની બ્લેરે ૨૦૦૪માં પૂર્વ યુરોપના આઠ પૂર્વ કોમ્યુનિસ્ટ દેશો માટે બ્રિટનના દરવાજા મોકળાં કરી નાખ્યા પછી મોટા ભાગના યુરોપીય કામદારો યુકે આવ્યા છે.ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતાં ૭.૫ મિલિયન લોકો દેશની બહાર જન્મેલા છે, જે કુલ વસ્તીના ૧૩ ટકા જેટલા છે. અગાઉ, બ્રિટનની માઈગ્રન્ટ વસ્તીમાં કોમનવેલ્થ દેશો- મુખ્યત્વે કેરેબિયન્સ, પાકિસ્તાન, બાંગલાદેશ અને ભારતથી આવેલી વંશીય લઘુમતીઓનું પ્રભુત્વ હતું. હવે પરિસ્થિતિ બદલાઈ છે. ૧૯૮૧ પહેલા ભારતીય ઉપખંડમાંથી ૪૮૫,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે રહેવા આવ્યાં હતાં, જે યુરોપીયન્સની સંખ્યા કરતા બમણાથી વધુ હતા. ૧૯૮૧થી ૨૦૦૦ના વર્ષ વચ્ચે ભારત પાકિસ્તાન અને બાંગલાદેશથી આવનારાની સંખ્યા ઘટીને ૪૨૦,૦૦૦ જેટલી થઈ હતી. આમ છતાં, ઉપખંડમાંથી યુકે આવનારાની સંખ્યા યુરોપથી તો વધુ જ હતી.જોકે, ૨૦૦૧ પછીના વર્ષોમાં ઈયુમાંથી આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા આસમાને પહોંચી હતી. સમગ્રતયા, યુરોપમાંથી આશરે ૧.૫ મિલિયન માઈગ્રન્ટ્સ યુકે આવ્યા હતા, જ્યારે સાઉથ એશિયાથી માત્ર ૬૦૦,૦૦૦ માઈગ્રન્ટ્સ આવ્યાં હતાં. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અભ્યાસ અનુસાર પોલેન્ડના યુરોપીય સંઘ સાથે જોડાણ પછી યુકેમાં પાંચ લાખ પોલેન્ડવાસીના ૯૪ ટકા તો ૨૦૦૧થી ૨૦૧૧ની વચ્ચેના સમયગાળામાં આવ્યા હતા. પૂર્વ યુરોપીય માઈગ્રન્ટ્સ ઉપરાંત, ફ્રાન્સમાંથી ૧૩૦,૦૦૦, ઈટાલીમાંથી ૧૩૫,૦૦૦ અને સ્પેનમાંથી ૮૦,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે આવ્યા હતા.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter