લંડનઃ યુકેમાં ડિપેન્ડન્ટ વિઝા મેળવવા માટે બનાવટી લગ્ન અને ડિવોર્સનું કારસ્તાન ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી ઝડપાયું છે. ભરૂચ પોલીસે જણાવ્યું હતું કે, અમે ગેરકાયદેસર ઇમિગ્રેશન સ્કીમને ઉઘાડી પાડી છે જેમાં એક સ્થાનિક મહિલાને ડિપેન્ડન્ટ વિઝા દ્વારા યુકે જવામાં મદદ કરવા બનાવટી લગ્ન અને છૂટાછેડાનો સહારો લેવાયો હતો.
રેકોર્ડ પર મહિલાના પતિ તરીકે દર્શાવાયેલા પુરુષે ગેરકાયદેસર માઇગ્રેશન માટે નક્કી થયેલા નાણા મામલે વિવાદ થતાં પોલીસનો સંપર્ક કર્યો ત્યારે આ મામલો સામે આવ્યો હતો. પાલેજના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ યુકેમાં વસવાટ કરતા અને ભરૂચ જિલ્લાના વાલણ ગામના રિઝવાન મેડાએ ઓક્ટોબર 2024માં જિલ્લા પોલીસનો સંપર્ક કર્યો હતો. મેડાની ફરિયાદ અનુસાર મહિલાના પરિવાર દ્વારા નક્કી કરાયેલી રકમ ચૂકવવામાં આવી નહોતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મેડા અને અન્યોએ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂરી કરવા માટે જંબુસરની તસ્લિમાબાનુ કારભારી સાથેના બનાવટી નિકાહનામા અને કોર્ટનો બનાવટી છૂટાછેડાનો ઓર્ડર ઉપજાવી કાઢ્યાં હતાં. બનાવટી નિકાહનામાના આધારે તસ્લિમબાનુને યુકેના વિઝા મળી ગયાં હતાં અને તે યુકે પહોંચી પણ ગઇ હતી.
પોલીસે મેડા, તસ્લિમબાનુ, તેના બ્રિટન સ્થિત ભાઇ ફૈઝલ અને વરીલ પર ભારતીય ન્યાયસંહિતાની કલમો અંતર્ગત ફોર્જરી, છેતરપિંડી, ગુનાહિત કાવતરાના આરોપ મૂક્યા છે. પોલીસે બ્રિટિશ હાઇ કમિશનને પણ આ મામલાની માહિતી પહોંચાડી છે.


