લંડનઃ લંડનમાં કોલેજની ચૂંટણી દરમિયાન પોતાની વિરુદ્ધ ચલાવાયેલા કથિત નફરતભર્યા અભિયાનના આરોપ મૂકનાર ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાનાએ તેના કેસની તપાસની આકરી ટીકા કરતાં સંસ્થા પર પોતાની સાથે પક્ષપાત કરવાનો આરોપ મૂક્યો છે. સુરાનાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે યુકેની મોટી યુનિવર્સિટીઓના કેમ્પસને ડાબેરી વિચારધારાએ હાઇજેક કરી લીધાં છે. તેઓ હિન્દુ અને ભારતીય ઓળખ ધરાવતા વ્યક્તિને સ્વીકારી શક્તાં નથી.
એક અખબારી મુલાકાતમાં સુરાનાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાવાળાઓને નકારી ન શકાય તેવા સજ્જડ પુરાવા આપ્યા છતાં પુરાવાને અપૂરતા ગણાવીને તમામ આરોપોની અવગણના કરાઇ છે. આરોપી વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓને પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેસનની કેટેગરીમાં સામેલ કરાઇ છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી દરમિયાન પોતાને લક્ષ્યાંક બનાવતા ઝેરીલા અભિયાનના આરોપ મૂકી સુરાનાએ અવાજ ઉઠાવ્યો હતો. તે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે એલએલએમનો અભ્યાસ કરી રહ્યો હતો.
સુરાનાએ આરોપ મૂક્યો છે કે યુનિવર્સિટીએ મારા દ્વારા મૂકાયેલા આરોપોની તપાસમાં જાણીજોઇને વિલંબ કર્યો હતો. વિલંબના કારણે મોટાભાગના આરોપી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને ચાલ્યા ગયાં છે. યુનિવર્સિટીએ હેટ કેમ્પેનમાં સામેલ વિદ્યાર્થીઓને બચાવવા માટે તપાસમાં વિલંબ કર્યો છે.
સુરાનાએ જણાવ્યું હતું કે, મારી વિરુદ્ધ નારા લગાવવામાં આવતા હતા કે અમારે સ્ટુડન્ટ યુનિયનમાં હિન્દુ રાષ્ટ્રવાદી કે ભારતીય રાષ્ટ્રવાદી ચૂંટવો નથી. મારી હિન્દુ ઓળખ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. મારી ગૌરવપૂર્ણ ભારતીય ઓળખ પર પણ સવાલ ઉઠાવાતા હતા. મારી ધાર્મિક ઓળખ પર હુમલો કરાતો હોવા છતાં યુનિવર્સિટી તેને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન જ ગણાવી રહી છે. કોઇની ધાર્મિક ઓળખ સામે ઝેર ઓકવાને વાણી સ્વતંત્રતા કેવી રીતે ગણાવી શકાય.
સુરાનાએ આરોપ મૂક્યો હતો કે યુકેની યુનિવર્સિટીઓ હિન્દુફોબિયા અને ઇસ્લામોફોબિયાના કિસ્સાઓમાં પક્ષપાતભર્યું વલણ અખત્યાર કરે છે. વિશ્વની મોટી યુનિવર્સિટીઓને ડાબેરી વિચારધારાએ હાઇજેક કરી લીધી છે. તેઓ ભારતીય વિદ્યાર્થીઓ મધ્યે ભારત વિરોધી નફરત ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. યુનિવર્સિટીઓમાં એવા પ્રોફેસરો પણ છે જે સતત ભારત વિરોધી વલણ અખત્યાર કરે છે.


