લંડનઃ ભારતના બીજા ક્રમના સૌથી મોટા શહેર દિલ્હીમાં ભારે વાયુ પ્રદૂષણના સૌ પ્રથમ વખત મોટાપાયે અભ્યાસ માટે યુનિવર્સિટી ઓફ સરે અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના શિક્ષણવિદોને નેશનલ એન્વાયર્નમેન્ટ રિસર્ચ કાઉન્સિલ (NERC) તરફથી £૧.૨ મિલિયનનું ભંડોળ અપાયું છે. યુકેમાં આ પ્રોજેક્ટનું સુકાન યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને ભારતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT), દિલ્હી સંભાળશે. આ પ્રોજેક્ટ મેગાસિટી દિલ્હીમાં હવાની ગુણવત્તા અને આરોગ્ય વિશે યુકે-ભારતની NERC-MOESયોજના હેઠળ ચાલતા પાંચ પ્રોજેક્ટ પૈકીનો એક છે.
હવાને શુદ્ધ કરવાના હેતુસર અસરકારક રણનીતિ ઘડી કાઢવા પ્રદૂષણ માટે જવાબદાર સ્રોતો, પ્રદૂષણ થવાની પ્રક્રિયા, પ્રાદેશિક બજેટ અને હવામાંના રાસાયણિક અને ભૌતિક પદાર્થોની વિસ્તૃત સમજ વહેલી તકે મળે તે જરૂરી છે. ASAP-Delhi પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આંકડાકીય અને મોડેલિંગ પદ્ધતિઓ દ્વારા આ મહત્ત્વની માહિતી પૂરી પાડવાનો છે. હવાની ગુણવત્તાની બાબતમાં વિશ્વના નિષ્ણાતોને એકસાથે લાવીને ડો. પ્રશાંતકુમાર (યુનિવર્સિટી ઓફ સરે) અને પ્રો.વિલિયમ બ્લોસ (યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ) તેમજ પ્રો.મુકેશ ખરે ( IIT દિલ્હી) અને ડો. ચામેન્દ્ર શર્મા (નેશનલ ફીઝિકલ લેબોરેટરી ઓફ ઈન્ડિયા) વચ્ચે ગાઢ સહયોગ સધાશે. આ સંશોધકો દિલ્હીની હવાને શુદ્ધ કરવાના ઉપાયો શોધવા માટે સંખ્યાબંધ સ્થળે નિરીક્ષણ હાથ ધરશે અને પરંપરાગત પદ્ધતિઓ તથા નવા સ્ટેટ -ઓફ- ધ- સાયન્સ સાધનોનો સંયુક્ત રીતે ઉપયોગ કરશે તેમજ પૃથક્કરણનો અભિગમ અપનાવશે. ડો. પ્રશાંતકુમારે જણાવ્યું હતું કે દિલ્હીમાં થોડા વર્ષો ગાળ્યા હોવાથી તેઓ ત્યાંના વાયુ પ્રદૂષણથી માહિતગાર છે. આ પ્રોજેક્ટમાં યુનિવર્સિટી ઓફ સરે તરફથી નેતૃત્વ કરતા ખૂબ આનંદ થાય છે.
આ પ્રોજેક્ટ NERC અને યુકેની મેડિકલ રિસર્ચ કાઉન્સિલ અને મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસના અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઈઝેશન અને ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીના સંયુક્ત પહેલ છે.