યુકેની લીગલ સિસ્ટમમાં દરેક સ્તરે રંગભેદવિરોધી તાલીમ જરુરી

Tuesday 27th October 2020 13:29 EDT
 
 

લંડનઃ કોર્ટમાં એક જ દિવસમાં ત્રણ વખત પ્રતિવાદી માની લેવાયેલા યુકેના બેરિસ્ટર એલેક્ઝાન્ડ્રા વિલ્સને યુકેની કાનૂની પદ્ધતિમાં દરેક સ્તરે ફરજીયાતપણે રંગભેદવિરોધી તાલીમ આપવા જણાવ્યું હતું. ક્રિમિનલ અને ફેમિલી કેસ લડવામાં નિષ્ણાત વિલ્સને ફરિયાદ નોંધાવી હતી અને આ ઘટના અંગે ટ્વિટર પર પોતાની હતાશા વ્યક્ત કરી હતી. તેમની આ ટ્વિટ વાયરલ થવાના પગલે ઈંગ્લેન્ડ અને વેલ્સના હેડ ઓફ કોર્ટ્સ સર્વિસના વડાએ માફી માગી હતી.

વિલ્સને જણાવ્યું કે શરૂઆતમાં પ્રવેશ દ્વાર પર સિક્યુરિટી ગાર્ડે તેમને અટકાવી નામ પૂછ્યું હતું, જેથી તે લિસ્ટ (પ્રતિવાદીઓના)માં તેમનું નામ શોધી શકે. વિલ્સનને લાગ્યું કે આ સ્વાભાવિક સહજ ભૂલ હોઈ શકે. આ પછી એક વ્યક્તિએ તેમને કોર્ટરૂમમાં ન જવા કહ્યું ત્યારે તેઓ વકીલ હોવાનું ફરીથી સમજાવવું પડ્યું હતું. તેઓ કોર્ટરૂમમાં હતાં ત્યારે પણ કોઈક બેરિસ્ટર કે સોલિસિટરે બહાર પ્રતીક્ષા કરવા કહેતા તેમણે ફરીથી પોતે વકીલ હોવાનો ખુલાસો કરવો પડ્યો હતો.

વિલ્સને જણાવ્યું કે અનુભવ ટ્વિટ કર્યા પછી આવા અનુભવમાંથી પસાર થયેલા સંખ્યાબંધ અશ્વેત અને લઘુમતી વંશીય વકીલોએ પ્રતિભાવો મોકલ્યા હતા. તેમણે ઉમેર્યું કે છેલ્લાં ૨૪ કલાકમાં ત્રણ અશ્વેત QCએ આવો જ અનુભવ પોતાને થયો હોવાનું કહેવા સંપર્ક કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે જજ તરીકે ફરજ બજાવતા લોકોને પણ તેઓ શા માટે બિલ્ડિંગના કેટલાંક ચોક્કસ ભાગમાં જાય છે તેમ પૂછાય છે. આવું કેવી રીતે બની શકે ? આ બધું બદલાય તે જરૂરી છે.

મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ માટે લોકોની અરજીઓ ઘણી વધુ આવે છે પરંતુ, તેમની સફળતાની શક્યતા ઓછી રહેલી છે. વિલ્સને લખેલા ‘ઈન બ્લેક એન્ડ વ્હાઈટ’ પુસ્તકમાં કોર્ટ્સમાં રેસિઝમની સમસ્યા ઉજાગર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે વારંવાર બનતા આ પ્રકારના બનાવો કાનૂની પદ્ધતિમાં વર્તમાન તાલીમની નિષ્ફળતાનો સંકેત આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter