દાયકાઓથી બ્રિટિશ ભારતીય સમુદાય બ્રિટનના તાણાવાણા સાથે વણાયેલો છે. યુકેમાં તેના મૂળ ઘણા ઊંડા ઉતરેલા છે. બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા યુકે પ્રત્યે અત્યંત પ્રતિબદ્ધ અને દેશના ભાવિમાં યોગદાન આપતો સમાજ છે. તેમ છતાં મૂળભૂત સવાલ એ છે કે ડાયસ્પોરાના યોગદાન સાથે તેને મળતું પ્રતિનિધિત્વ યોગ્ય છે ખરું... ? યુકેમાં બ્રિટિશ ભારતીયોની વસતી લગભગ 3 ટકા છે પરંતુ દેશની જીડીપીમાં તેમનું યોગદાન 6 ટકા છે. વસતીના પ્રમાણમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન ઘણું છે. તેમ છતાં બ્રિટનની રાજનીતિમાં તેનો અવાજ પડઘાતો નથી. શું રાજકીય પાર્ટીઓ બ્રિટિશ ભારતીય મતદારોની પ્રાથમિકતા અને વૈવિધ્યતા સમજી શકે છે ખરી? આ સવાલો 1928 ઇન્સ્ટિટ્યુટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા બ્રિટિશ ઇન્ડિયન સેન્સસ 2025ના કેન્દ્રમાં પડેલા છે. એપ્રિલથી ઓગસ્ટ 2025 વચ્ચે 18 કે તેથી વધુ વયના 2355 બ્રિટિશ ભારતીયોના સરવેના આધારે તૈયાર કરાયેલો આ રિપોર્ટ ડો. નિકિતા વેદ એમબીઇ અને કિરણ કૌર મન્કુ એફઆરએસએ દ્વારા પાર્લામેન્ટ હાઉસમાં રજૂ કરાયો હતો.
સરવેમાં ભાગ લેનારા 6 ટકા બ્રિટિશ ભારતીયો જ માને છે કે તેમને નીતિ ઘડવૈયા દ્વારા યોગ્ય પ્રતિનિધિત્વ અપાય છે. જોકે તેમને રાજનીતિમાં વિશ્વાસ નથી. તેમ છતાં બ્રિટિશ ભારતીયો રાજનીતિમાં સક્રિય ભાગ લે છે. બ્રિટિશ ભારતીયોમાં 39 ટકા લેબર, 16 ટકા કન્ઝર્વેટિવ, 15 ટકા ગ્રીન, 10 ટકા રિફોર્મ અને 9 ટકા લિબરલ ડેમોક્રેટને સમર્થન આપે છે. તાજેતરમાં બ્રિટિશ ભારતીયોનું રિફોર્મ યુકેને સમર્થન વધી રહ્યું છે. તેમાં પણ 1950ના દાયકા પહેલાં બ્રિટન આવેલા ભારતીયોમાં રિફોર્મના સમર્થકો વધી રહ્યાં છે જ્યારે 2000ના દાયકામાં આવેલા ભારતીયો ગ્રીન પાર્ટીને સમર્થન આપી રહ્યાં છે. 2000ના દાયકા પછી આવેલા ભારતીયો કન્ઝર્વેટિવ અને લિબરલ ડેમોક્રેટના સમર્થકો છે. બ્રિટિશ ભારતીયો ઇચ્છે છે કે સરકાર એજ્યુકેશન, ઇકોનોમી, ક્રાઇમ પ્રિવેન્શન, હેલ્થ અને ડોમેસ્ટિક પોવર્ટીને પ્રાથમિકતા આપે. આ ઇચ્છામાં મોંઘવારી, સુરક્ષા અને બેરોજગારીનું પ્રતિબિંબ ઝળકે છે.
મિનિસ્ટર સીમા મલ્હોત્રા કહે છે કે, જો હું બ્રિટિશ ભારતીય સમુદાયની ટોચની 3 પ્રાથમિકતા જણાવું તો ભારતીય ડાયસ્પોરા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ જોડાણ ધરાવે છે અને તેનું ધ્યાન આર્થિક સમૃદ્ધિ પર કેન્દ્રિત છે. તેના માટે ટ્રેડ અને બિઝનેસ ઘણા મહત્વના છે.
બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા યુકે અને ભારત વચ્ચેના સંબંધોને પણ ઘણું મહત્વ આપે છે. તેમના મતે વેપાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાનો, મજબૂત આર્થિક સંબંધો અત્યંત મહત્વના છે.
આપણે બ્રિટિશ છીએ અને બ્રિટિશ જ રહેવું જોઇએઃ સુભાષ ઠકરાર
લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ ચેરમેન સુભાષ ઠકરાર (ઓબીઇ)એ સરવેના તારણોને આવકારતાં જણાવ્યું હતું કે, સરકારને નિર્ણયો અને દલીલોમાં આ તારણો ઘણા ઉપયોગી સાબિત થશે. સરવેમાં બ્રિટિશ ભારતીયોની સિદ્ધીઓના વખાણ કરાયાં છે જે જાણીતી છે પરંતુ સાથે સાથે રાજકીય જોડાણો અંગે સુનિશ્ચિત બની રહ્યાં હોવાના બદલાવો પણ રજૂ કરાયાં છે. સૌથી મહત્વની વાત એ છે કે સરવેના તારણોને આપણે કેવી રીતે લઇએ છીએ. આપણે આ દેશમાં કેવી રીતે ઓળખાવા માગીએ છીએ. બ્રિટિશ એશિયન, બ્રિટિશ ભારતીય, બ્રિટિશ હિન્દુ કે પછી ફક્ત બ્રિટિશ. હું દ્રઢપણે માનુ છું કે આપણે આ દેશના જ છીએ અહીંના જેવા ફર્સ્ટક્લાસ સિટિઝન અન્ય કોઇ દેશમાં બની શક્તાં નથી. દુબઇ અને આફ્રિકામાં આપણે સેકન્ડ ક્લાસ સિટિઝન અથવા રેસિડેન્ટ છીએ,. અમેરિકામાં હવે આપણને સવાલ કરાય છે કે કેમ આવ્યા છો. ભારતમાં જો તમારી પાસે નાણા છે તો તમારું મૂલ્ય છે નહીંતર કોણ પૂછે છે. તેથી સમય આવી ગયો છે કે આપણે આત્મતપાસ કરીને આ દેશના તમામ પાસામાં યોગદાન આપવું જોઇએ. આ આપણો દેશ છે. જો બ્રિટિશ ભારતીયોમાં સારા ગુણ છે તો તેને આખા દેશમાં પ્રસરાવીએ.
આપણને વિભાજિત કરતા તત્વો સામે સાવધ રહીએઃ લોર્ડ ક્રિશ રાવલ (ઓબીઇ)
લેબર ઇન્ડિયન્સના ચેરમેન લોર્ડ ક્રિશ રાવલે પાર્લામેન્ટરી પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, આપણને વિભાજિત કરનારા તત્વો સામે સાવધ રહેવું જોઇએ. ઘણા લાંબા સમયથી ડાયસ્પોરાના ઇતિહાસમાં આ વણાયેલું છે. હું બાળક હતો ત્યારે બ્રિટિશ ભારતીયોને લેબર કોમ્યુનિટી ગણાતા હતા. 2010ના દાયકામાં આપણે કન્ઝર્વેટિવ બની ગયાં. આ બદલાવનો અર્થ એ છે કે એક જૂથ તમને ગણકારતું જ નથી કારણ કે તે એમ માને છે કે આ ક્યાં જવાના છે. તેવું જ અન્ય જૂથ પણ માને છે. આપણે ટોરીને સમર્થન આપતા હતા ત્યારે તેઓ પણ એમ જ માનતા હતા. હું માનુ છું કે આપણે નાની પાર્ટીઓ સહિત તમામ જગ્યાએ સ્થાન ઉભું કરવાની જરૂર છે. ખરો સવાલ એ છે કે રાજનીતિમાં એક સમુદાય તરીકે આપણી ફરજ શું છે. ધ્રુવીકરણના આ યુગમાં એક સમુદાય તરીકે આપણે આપણી શક્તિનો રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરીશું. આપણા સમુદાયમાં ભારોભાર ટેલેન્ટ છે. તેનો ઉપયોગ કરી શકાય તેમ હું માનુ છું.
મને સતત યાદ અપાવવામાં આવે છે કે હું વિદેશી છુઃ કોમેડિયન આહિર શાહ
આ પ્રસંગે હાજર કોમેડિયન આહિર શાહે જણાવ્યું હતું કે, હું આંકડા અને વિગતો સાથે રજૂઆત કરનારો વ્યક્તિ નથી પરંતુ હું કોમેડીના માધ્યમથી સત્ય જ કહું છું. કોમેડીમાં હંમેશા સત્ય હોય છે કારણ કે તેમાં કોઇ ફિલ્ટર લાગેલા હોતા નથી. હું એક વિદેશી છું. હું કેમ આમ કહું છું કારણ કે મને હંમેશા યાદ અપાવવામાં આવે છે કે હું વિદેશી છું. મેં ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ કામ કર્યું છે અને નાટકમાં યોગદાન માટે મને એવોર્ડ પણ અપાયો છે તેમ છતાં કશું બદલાયું નથી. તમને હંમેશા હાંસિયામાં જ રાખવામાં આવે છે. અહીં તમને તમારા દેશ પરત ચાલ્યા જવા કહેવામાં આવે છે. હું મારા બાળકોને પણ કહું છું કે મને કહેવામાં આવતું કે તમે અહીં આવકાર્ય નથી. આ ઘણી દુઃખની બાબત છે.
બોક્સ
બ્રિટિશ ઇન્ડિયન સેન્સસ 2025
ઓળખ અને માઇગ્રેશન
- 55 કરતાં વધુ વર્ષથી 26 ટકા આ દેશમાં જ રહે છે
સોશિયલ – ઇકોનોમિક પ્રોફાઇલ
- યુકેની સરેરાશ કરતાં પણ ઊંચો સામાજિક અને આર્થિક દરજ્જો
- 36 ટકા મિડલ ક્લાસ, 13 ટકા અપર મિડલ ક્લાસ
પૂર્વગ્રહ
- છેલ્લા 24 મહિનામાં 60 ટકાએ પક્ષપાતનો સામનો કર્યો
- કામના સ્થળે (71 ટકા), સીધો પ્રબાર (75 ટકા), રેસિસ્ટ વ્યવહાર (70 ટકા), ધર્મના કારણે (18 ટકા)
પ્રતિનિધિત્વ
- મીડિયાઃ 8 ટકાને લાગે છે બ્રિટિશ ભારતીયોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે
- રાજનીતિઃ ફક્ત 6 ટકા માને છે કે યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે
રાજકીય સમર્થન
- લેબર પાર્ટી 35 ટકા, કન્ઝર્વેટિવ 18 ટકા, રિફોર્મ યુકે 13 ટકા, ગ્રીન પાર્ટી 13 ટકા, લિબરલ ડેમોક્રેટ 9 ટકા
નીતિગત પ્રાથમિકતા
- યુકેઃ એજ્યુકેશન, ઇકોનોમી, ક્રાઇમ પ્રિવેન્શન, હેલ્થ, ડોમેસ્ટિક પોવર્ટી
- યુકે – ઇન્ડિયાઃ ટ્રેડ અને બિઝનેસ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, ટ્રાવેલ અને વિઝા


