લંડનઃ યુકેની કુલ વસ્તી સત્તાવાર આંક મુજબ ૬૫ મિલિયનને વટાવી ગઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જારી વસ્તીના અંદાજમાં યુકેમાં રહેતા લોકોની સંખ્યા એક જ વર્ષમાં પાંચ લાખ જેટલી વધવાની શક્યતા છે. આમ, યુકેની વસ્તીમાં માત્ર દસ વર્ષમાં અંદાજે આઠ ટકાના દરે લગભગ ૫૦ લાખનો વધારો થયાનો અંદાજ છે.
બ્રેક્ઝિટ કેમ્પ દ્વારા ઈમિગ્રેશનના મુદ્દે ખૂબ પ્રચાર કરાયો હતો. માઈગ્રેશનનો સત્તાવાર આંક ગયા મેમાં ૩,૩૩,૦૦૦ હોવાનું જાહેર થયું હતું તે પછી વોટ લીવને વધુ વેગ મળ્યો હોવાનું મનાય છે. વધુમાં એક વર્ષમાં ૭૭,૦૦૦ ઈયુ સિટીઝન બ્રિટનમાં આવ્યા હતા.
ONS દ્વારા ગયા વર્ષે જૂનમાં વસ્તીનો અંદાજ રજૂ કરાયો હતો. તેમાં ૨૦૧૪ની મધ્યમાં ૬,૪૫,૯૬,૮૦૦ લોકો હોવાનું અને વસ્તીમાં ૧૨ મહિનામાં ૪,૯૧,૧૦૦નો વધારો થયો હોવાનું જણાવાયું હતું. ONSએ જણાવ્યું હતું કે માઈગ્રેશન અને જન્મદરનું પ્રમાણ ઊંચુ જ રહેશે તો ૨૦૩૯ સુધીમાં વસ્તી લગભગ ૮૦ મિલિયને પહોંચી જશે.
ઈમિગ્રેશનને લીધે જન્મદરમાં વધારો થાય છે કારણ કે ઈમિગ્રન્ટ મહિલાઓ પ્રસુતિ ધારણ કરી શકે તે ઉંમરની અને બ્રિટનમાં જન્મેલી મહિલા કરતા વધુ બાળકોને જન્મ આપે તેમ હોય છે. વસ્તીમાં લગભગ ૬૬ ટકાના વધારા માટે ઈમિગ્રેશનને જવાબદાર માનવામાં આવે છે.


