લંડનઃ બ્રિટિશ સરકારે 16 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે વિઝામાં પ્રસ્તાવિત વધારો 4 ઓક્ટોબરથી અમલમાં આવી જશે. નવા વિઝા ફી માળખા અંતર્ગત હવે યુકેના 6 મહિના કરતા ઓછા સમયના વિઝિટર વિઝા માટે 15 પાઉન્ડ અને સ્ટુડન્ટ વિઝા માટે 127 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. યુકેની હોમ ઓફિસે જણાવ્યું હતું કે વિઝા ફીમાં આ બદલાવ શુક્રવારે સંસદમાં રજૂ કરાયેલા ખરડા દ્વારા અમલી બન્યો છે. હવે 6 મહિના કરતા ઓછા સમયના ટુરિસ્ટ વિઝા માટે 115 પાઉન્ડ અને યુકે બહારથી સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારે 490 પાઉન્ડ ચૂકવવાના રહેશે.
જુલાઇ મહિનામાં યુકેના વડાપ્રધાન રિશી સુનાકે જાહેરાત કરી હતી કે પબ્લિક સેક્ટરમાં પગાર વધારાના બોજાને પહોંચી વળવા માટે વિઝા ફી અને હેલ્થ સરચાર્જમાં વધારો કરાશે. તે સમયે સુનાકે જણાવ્યું હતું કે, અમે દેશમાં આવતા વિદેશી નાગરિકો માટે વિઝા ફભીમાં વધારો કરવા જઇ રહ્યાં છીએ. તેઓ એનએચએસની સુવિધા લેતાં હોવાથી તેમના પર ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પણ લાગુ થશે. વિઝા ફી અને હેલ્થ સરચાર્જમાં વધારાના કારણે સરકારની આવકમાં 1 બિલિયન પાઉન્ડનો વધારો થશે.
વિદેશીઓ માટે વિઝા ફીમાં વધારોઃ નવા દર
6 મહિના કે તેથી ઓછી મુદતના ટુરિસ્ટ વિઝા – 115 પાઉન્ડ
2 વર્ષ સુધીના વિઝિટર વિઝા – 400 પાઉન્ડ
5 વર્ષ સુધીના વિઝિટર વિઝા – 771 પાઉન્ડ
10 વર્ષ સુધીના વિઝિટર વિઝા – 963 પાઉન્ડ
સ્ટુડન્ટ વિઝા માટે – 490 પાઉન્ડ
3 વર્ષ સુધીની સ્પોન્સરશિપ માટે સ્કીલ્ડ વર્કર વિઝા- 719 પાઉન્ડ
3 વર્ષ કરતાં વધુની સ્પોન્સરશિપ પર સ્કીલ્ડ વર્કર વિઝા – 1420 પાઉન્ડ
ટીટુ મિનિસ્ટર ઓફ રિલિજિયન – 719 પાઉન્ડ
3 વર્ષ કરતાં ઓછા સમય માટે હેલ્થ એન્ડ કેર વિઝા – 1084 પાઉન્ડ

