યુકેની શાળાઓના અભ્યાસક્રમોમાં વંશીય વિદ્વાનોના સાહિત્યને સ્થાન

Wednesday 17th July 2019 03:35 EDT
 
 

લંડનઃ બ્રિટનના સૌથી મોટા એક્ઝામ બોર્ડે ‘મૃત્યુ પામેલા ઘણાં શ્વેત લોકો’નો પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરાયો હોવાની ફરિયાદોને પગલે ઈંગ્લિશ GCSE અભ્યાસક્રમમાં વધુ વિવિધ સંસ્કૃતિઓ અને વંશીયતાને પ્રતિનિધત્વ આપતી વૈવિધ્યપૂર્ણ ટેક્સ્ટનો સમાવેશ કર્યો છે. પીઅર્સનની માલિકીના ‘એડેક્સેલ’ દ્વારા આ સપ્ટેમ્બરથી સ્કૂલોના અભ્યાસક્રમમાં અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પશ્ચાદભૂ ધરાવતા લેખકો સહિતના લેખકોની વધુ કવિતાઓ, નાટકો અને નવલકથાઓનો સમાવેશ કરવાની જાહેરાત કરાઈ હતી.

યુનિવર્સિટીમાં અભ્યાસક્રમોને ‘ડિકોલોનાઈઝ’ કરવા માટેનો આગ્રહ વધતો જાય છે. વિદ્યાર્થીઓએ તેમના ફેકલ્ટીઝને વાંચનની યાદીમાં ફેરફાર કરવા વિનંતી કરી હતી. પીઅર્સનનું આ પગલું આ ઝુંબેશ સ્કૂલોમાં પણ વેગ પકડતી જાય છે તેનો પહેલો સંકેત છે.

જીસીએસઈની પસંદગીપાત્ર કવિતાઓમાં વિલિયમ વર્ડ્ઝવર્થ અને રોબર્ટ બ્રીજીસની કૃતિઓ ઉપરાંત, પાકિસ્તાનમાં જન્મેલા ઈમ્તિયાઝ ધારકર (અભિનેત્રી આયેશા ધારકરની માતા) અને ગુયાનાના ગ્રેસ નિકોલ્સનો પણ સમાવેશ થયો છે. દરમિયાન, ૧૯૧૪ પછીના સાહિત્યના પેપરમાં એશિયન એચિવર્સ એવોર્ડના વિજેતા ભારતીય મૂળના તનિકા ગુપ્તા અને બાર્બાડોસમાં જન્મેલા માતાપિતાના પુત્ર બેન્જામીન ઝેફાનીયાહના નાટકોને સામેલ કરાયા છે. અન્ય ટેક્સ્ટસમાં ભારતમાં જન્મેલા જેમીલા ગેવિનની નવલકથા ‘કોરમ બોય’, બાળકથાઓના પૂર્વ વિજેતા અને જેમના પેરન્ટ્સ બાર્બોડોસના છે તે મેલોરી બ્લેકમેનની ‘બોયઝ ડોન્ટ ક્રાય’નો સમાવેશ કરાયો છે.

જોકે, પીઅર્સનના ઈંગ્લિશ, ડ્રામા અને લેન્ગ્વેજ વિભાગના વડા કેટી લેવિસે જણાવ્યું હતું કે વર્તમાન ટેક્સ્ટસ કે કાવ્યોને દૂર કરવામાં નહિ આવે. નવી પહેલથી ૫૦,૦૦૦ વિદ્યાર્થીને અસર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter