યુકેની શાળાઓમાં હિન્દુ બાળકોની સતાવણી

હેટ કોમેન્ટનો સામનો કરવો પડતો હોવાનો આરોપ, હિન્દુ વિદ્યાર્થીઓને ધાર્મિક ટિપ્પણી કરી ચીડવવામાં આવે છે....

Tuesday 25th April 2023 14:50 EDT
 
 

લંડન – બ્રિટનની સ્કૂલોમાં હિન્દુ બાળકોને પણ ધર્મના નામે નિશાન બનાવાઈ રહ્યા છે. ધાર્મિક ટિપ્પણીઓ કરીને તેમને ચીડવવામાં આવે છે, જેથી ક્યારેક હિંસા પણ થાય છે. બ્રિટનની સ્કૂલોમાં હિન્દુ બાળકો સાથે થતાં ભેદભાવ અને હેરાનગતિ અંગે પહેલીવાર સરવે કરાયો છે. આ સરવે એચજેએસ રિસર્ચ ફેલો ચેરલોટ લિટવલુડ, બ્રિટનની સ્કૂલમાં શિક્ષક ઋષિ હાન્ડા અને બાર્નોસ વર્માએ કર્યો છે.

આ સરવે રિપોર્ટમાં તેઓ કહે છે કે, બ્રિટનમાં ભારતીયોની વસતી વધી રહી છે, જેથી તેમના બાળકોએ સ્કૂલમાં માનસિક અને ક્યારેક શારીરિક હિંસાનો પણ સામનો કરવો પડ્યો છે. અહીંના ભારતીયોની પેઢી આ બધું સહન કરીને જ ઉછરી રહી છે. જે સ્કૂલો પર વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવવાની જવાબદારી છે, ત્યાં જ વિદેશી બાળકોની હેરાનગતિ થાય છે. પરંતુ ફક્ત 1% સ્કૂલો જ આ વાત સ્વીકારે છે.
જોકે સરવે પ્રમાણે 51% હિન્દુ માતા-પિતા કહે છે કે, તેમના બાળકોએ હિન્દુ હોવાના કારણે સ્કૂલોમાં હેટ કોમેન્ટનો સામનો કરવો પડે છે. ફક્ત 19% માતા-પિતા જ એવા છે, જે માને છે કે સ્કૂલો હિન્દુ બાળકો સાથે થઈ રહેલું વર્તન સમજે છે અને તેને રોકવા તેઓ પ્રયત્નશીલ છે. બ્રિટનમાં રહેતા દર પાંચમાંથી ચાર માતા-પિતાને લાગે છે કે, સ્કૂલોમાં તેમના બાળકો સાથે ભેદભાવ થાય છે.
આ રિપોર્ટમાં હિન્દુ બાળકો સાથે થયેલી કેટલીક ઘટનાઓના પણ ઉલ્લેખ છે. જેમ કે, એક હિન્દુ વિદ્યાર્થિની પર સ્કૂલના જ કેટલાક બાળકોએ માંસ ફેંક્યું હતું. પૂર્વ લંડનમાં એક હિન્દુ વિદ્યાર્થીએ હેટ કોમેન્ટથી કંટાળીને ત્રણ વાર સ્કૂલ બદલવી પડી હતી. વળી, શિક્ષકો સામે પણ બાળકો આવી કોમેન્ટ કરતા રહે તે સામાન્ય બાબત છે.
આ સરવે કરનારા ત્રણેય સંશોધકો બ્રિટનમાં વસતા ભારતીયો છે અને તેઓ સ્થાનિક સ્કૂલો સાથે પણ ગાઢ રીતે સંકળાયેલા છે. ઋષિ હાન્ડા બ્રિટનની સ્કૂલમાં સંસ્કૃત વિભાગના વડા છે. તેઓ કહે છે કે, અહીં બાળકોને એકબીજાની સંસ્કૃતિ સમજાવવામાં ઘણી મુશ્કેલી આવે છે. તેનું કારણ એ છે કે, એક સંસ્કૃતિમાં જે બાબત સામાન્ય છે, તે બીજી સંસ્કૃતિમાં ખોટું ગણાય છે.

બ્રિટનની સ્કૂલોમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મ બદલવાનું દબાણ કરતા મુસ્લિમ વિદ્યાર્થી

બ્રિટનમાં મુસ્લિમ કટ્ટરવાદ હવે શાળાઓમાં પ્રસરી રહ્યો છે. એક થિંક ટેન્કને જાણવા મળ્યું કે બ્રિટનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પોતાની સાથે ભણતાં હિન્દુ વિદ્યાર્થીઓ પર ધર્મ બદલવાનું દબાણ બનાવી રહ્યા છે. હેનરી જેક્સન સોસાયટીના એક સ્ટડી રિપોર્ટ અનુસાર હિન્દુ વિદ્યાર્થીઓને ભારતની ઘટનાઓ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. એવામાં હિન્દુ વિદ્યાર્થીઓઓ બીજા ધર્મના વિદ્યાર્થીઓથી નફરતનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો તણાવ સ્કૂલોમાં ભેદભાવ વધારે છે. હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં થયેલી અથડામણો પછી ભેદભાવની ઘટનાઓમાં વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter