યુકેની સૌથી મોટી ચેરિટી વેલકમ ટ્રસ્ટના કર્મચારીને £૭.૯ મિલિ.નો શિરપાવ

ટ્રસ્ટે મેડિકલ રિસર્ચ માટે ૧.૨ બિલિયન પાઉન્ડ ફાળવ્યા

Wednesday 19th January 2022 05:14 EST
 

લંડનઃ બ્રિટનની સૌથી મોટી સખાવતી સંસ્થા વેલકમ ટ્રસ્ટના સખાવતી કાર્યો માટે કરાતા રોકાણ પર અસામાન્ય નફો રળવામાં મદદરૂપ થનારા વરિષ્ઠ અધિકારીને ગયા વર્ષે ૭.૯ મિલિયન પાઉન્ડની ચૂકવણી કરાઈ હતી. રોકાણોમાંથી પ્રાપ્ત લાભોના પગલે ટ્રસ્ટે મેડિકલ અને સાયન્ટિફિક રિસર્ચમાં ૧.૨ બિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. ટ્રસ્ટ આગામી ૧૦ વર્ષમાં તે રિસર્ચ સેક્ટરમાં ૧૬ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

જંગી ઈન્વેસ્ટમેન્ટ્સના પરિણામે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિક મોઆકેસ સહિતતેની ઈનહાઉસ ઈન્વેસ્ટમેન્ટ ટીમના નિષ્ણાતોને અભૂતપૂર્વ પે પેકેટ્સનો લાભ મળ્યો હતો. મોઆકેસને ૭.૯ મિલિયન પાઉન્ડ જ્યારે ચીફ એક્ઝિક્યુટિવ ફોર ઇન્વેસ્ટમેન્ટ,પીટર પરૈરા ગ્રેને ૭.૮ મિલિયન પાઉન્ડ ચૂકવાયા હતા. અન્ય પાંચ એક્ઝિક્યુટિવ્ઝને પણ ૧.૯ થી ૩.૭ મિલિયન પાઉન્ડ સુધીનું વેતન ચૂકવાયું હતું. ગયા વર્ષે સૌથી ઊંચુ પે પેકેટ ૪.૬ મિલિયન પાઉન્ડનું હતું.

સખાવતી સંસ્થા વેલકમ ટ્રસ્ટે જણાવ્યું છે કે ૧૯૯૫માં સ્થાપના થયા બાદ આ વર્ષ રોકાણ માટે શ્રેષ્ઠ રહ્યું હતું. સંસ્થાએ ૧૨ મહિનાના સમયગાળામાં ૧૦ બિલિયન પાઉન્ડના કેપિટલ ગેઇન્સ અને ડિવિડન્ડ હાંસલ કર્યાં હતાં. સપ્ટેમ્બર સુધીના વર્ષમાં સંસ્થાને કુલ રોકાણના ૩૪.૫ ટકા રિટર્ન પ્રાપ્ત થયાં હતાં. આ જ સમયગાળામાં વિશ્વભરના પબ્લિક માર્કેટમાં કરાયેલા રોકાણ પર સંસ્થાને ૨૨.૭ ટકા રિટર્ન પ્રાપ્ત થયું હતું.

રોકાણોમાંથી પ્રાપ્ત થયેલા લાભોના પગલે સંસ્થા ઓક્સફર્ડ દ્વારા તૈયાર કરાયેલ કોવિડ વેક્સિન પર થતા રિસર્ચ સહિત મેડિકલ અને સાયન્ટિફિક રિસર્ચમાં ૧.૨ બિલિયન પાઉન્ડ આપી શકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter