યુકેનું કરજ GDP કરતાં વધુઃ VATમાં કાપ મૂકવા વિચારણા

Wednesday 24th June 2020 01:25 EDT
 

લંડનઃ કોરોના મહામારીએ યુકેના અર્થતંત્રની હાલત એટલી ખરાબ કરી છે કે ૫૭ વર્ષ પછી પહેલી વખત યુકેનો કરજબોજ GDP કરતાં વધી ગયો છે. સરકારને મે મહિનામાં ૫૫.૨ બિલિયન પાઉન્ડનું કરજ લેવાની ફરજ પડ્યા પછી હવે કુલ બોજ લગભગ ૨ ટ્રિલિયન પાઉન્ડ જેટલો થઈ ગયો છે, જે GDPના ૧૦૦.૯ ટકા સમકક્ષ છે. છેલ્લે ૧૯૬૩માં સંપૂર્ણ અર્થતંત્ર કરતાં કરજ વધી ગયું હતું.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) અનુસાર લોકડાઉનનાં કારણે બિઝનેસીસ અને પબ્લિક ફાઈનાન્સ પર ગંભીર અસર પડી છે. સરકાર ફર્લો સ્કીમ મારફત ૯.૧ મિલિયન નોકરીઓનું રક્ષણ કરી રહી છે. સ્વરોજગારીઓના પેકેજ સાથે કુલ ખર્ચ ૧૦૦ બિલિયન પાઉન્ડ કરતાં વધી જવાની ધારણા છે. ONS દ્વારા એપ્રિલના ૬૨.૧ બિલિયન પાઉન્ડના કરજના આંકડાને સુધારી ૪૮.૫ બિલિયન પાઉન્ડ કરવામાં આવ્યો હતો. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી જ છે કે દેશ ૩૦૦ વર્ષની અતિ ખરાબ મંદીનો સામનો કરી રહ્યો છે. સરકારે નાણાની તંગી નિવારવા જથ્થાત્મક તરલતા અથવા તો નોટ્સ છાપવાનો પ્રોગ્રામ ૧૦૦ બિલિયન પાઉન્ડ વધારી ૭૪૫ બિલિયન પાઉન્ડ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે.

VAT માં કાપ મૂકવા વિચારણા

લોકડાઉનની અસરોના કારણે ઘણા બિઝનેસીસ બંધ થઈ જાય તેવા ભય વચ્ચે ચાન્સેલર રિશિ સુનાક અર્થતંત્રને વેગ આપવા VAT માં કાપ મૂકવા સક્રિય વિચારણા કરી રહ્યા હોવાનું કહેવાય છે. ચાન્સેલરે આગામી મહિનાઓમાં સેલ્સ ટેક્સમાં કાપ મૂકવા સંબંધે વિકલ્પો વિચારવા આદેશ આપી દીધો છે. આ પગલું લોકડાઉનમાં મહિનાઓ સુધી બંધ રાખવી પડેલી શોપ્સ માટે ઘણું રાહતરુપ નીવડી શકે છે. બિનજરુરી માલસામાનના રીટેઈલર્સને પણ ખુલવાની પરવાનગી અપાયા છતાં, વેપાર હજુ ૪૦ ટકા જેટલો જ થાય છે. નાણાકીય કટોકટી વેળાએ પણ VATમાં કાપ મૂકાયો હતો અને હવે તેને વર્તમાન ૨૦ ટકાથી ઘટાડી ૧૭ અથવા ૧૫ ટકા જેટલો કરવાની વિચારણા થઈ રહી છે. જોકે, આનાથી સરકારી તિજોરીને ભારે નુકસાન જશે અને જાહેર દેવું પણ વધી જશે તે નિશ્ચિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter