યુકેને ચાગોસ આઈલેન્ડની માલિકી મુદ્દે મોરેશિયસનો પડકાર

Wednesday 23rd February 2022 03:46 EST
 

લંડનઃ મોરેશિયસે આખરે ચાગોસ દ્વીપસમુહ પર બ્રિટનની માલિકીને સત્તાવાર પડકાર ફેંક્યો છે. મોરેશિયસના યુએનસ્થિત એમ્બેસેડર જગદીશ કુંજૂલે ૧૪ ફેબ્રુઆરી, સોમવારે પેરોસ બાનહોસ ટાપુના ખડક પર ખાસ સમારંભમાં રાષ્ટ્રગીત ગાવા સાથે પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. દરમિયાન બ્રિટિશ ફોરેન ઓફિસે ચાગોસ યાપુઓ પર મોરેશિયસના સાર્વભૌમત્વના દાવાને ફગાવી દીધો છે.

આ કાર્યક્રમમાં કુંજૂલે જણાવ્યું હતું કે ‘બ્રિટિશરોએ પોતાના સંસ્થાનો સ્થાપવા માટે ઘણી વખત કર્યું છે તેમ આપણે ધ્વજ લહેરાવવાનું પ્રતીકાત્મક કાર્ય કર્યું છે. જોકે, આપણે જે આપણું હતું તે જ પાછું મેળવ્યું છે.’ મોરેશિયસના વડા પ્રધાન પ્રવિન્દ જુગનાથનો પ્રી-રેકોર્ડેડ સંદેશો પણ ચાગોસના રહેવાસીઓ, મોરેશિયસના અધિકારીઓ અને મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવ્યો હતો. ટાપુઓ પરથી ‘British Indian Ocean Territory’ની સંખ્યાબંધ નિશાનીઓ પણ દૂર કરવામાં આવી હતી. ફ્લેગપોલ હેઠળ લગાવેલી તખ્તીમાં બ્લેનહેઈમ રીફના વૈજ્ઞાનિક સર્વેના સંદર્ભે મોરેશિયસ ટીમની મુલાકાતનો ઉલ્લેખ કરાયો હતો.

યુકે ફોરેન ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકેને બ્રિટિશ ઈન્ડિયન ઓશન ટેરિટરી પર તેના સાર્વભૌમત્વ વિશે કોઈ જ શંકા નથી જેના પર છેક ૧૮૧૪થી સતત કબજો રહેલો છે. આ વિસ્તાર પર મોરેશિયસનું કોઈ સાર્વભૌમત્વ હતું નહિ અને યુકે તેના દાવાને માન્ય રાખતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter