લંડનઃ બ્રિટનમાં સૌથી લાંબો સમય સેવા આપનારા ભારતીય મૂળના સાંસદ કિથ વાઝે લોર્ડ ગુલામ નૂનને આદરાંજલિ અર્પતા જણાવ્યું હતું કે,‘આજે આપણે માત્ર બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના જ નહિ, બ્રિટિશ એન્ટ્રેપ્રીન્યોરશિપના માંધાતાને ગુમાવ્યા છે. તેઓ સન્માનીય અને ઉદાર સદગૃહસ્થ હતા, જેઓ પોતાના પરિવારની સાથે પોતાના દેશ યુનાઈટેડ કિંગ્ડમને પણ સમર્પિત હતા.’
કિથ વાઝના શોકસંદેશામાં જણાવાયું હતું કે,‘તેઓ સાચે જ બ્રિટનના કરી કિંગ તરીકે ઓળખાતા હતા, તેઓ કરીને હાઈ સ્ટ્રીટમાં લાવ્યા હતા. બ્રિટન, ભારત અને વિશ્વમાં હજારો લોકોએ તેમના ધંધાનો લાભ મેળવ્યો હતો. તેમણે રોજગારનું સર્જન કર્યું હતું અને તેઓ વિશાલ હૃદયના હતા. ક્રિકેટના વિશ્વે પણ તેના એક સૌથી સમર્પિત અનુયાયીને ગુમાવ્યા છે. લગભગ કશું પણ લીધાં વિના જ આવેલા પ્રથમ પેઢીના ઈમિગ્રન્ટ જે હાંસલ કરી શકે તે તમામના તેઓ મૂર્તસ્વરુપ હતા. પોતાના ભારતીય મૂળને નહિ ભૂલવા છતાં તેમના અસાધારણ વ્યક્તિત્વને પુરવાર કરવાની જીવનમાં તક આપવા બદલ તેઓ બ્રિટન પ્રત્યે કૃતજ્ઞ હતા. આપણા સમુદાયે એક મહાન સિતારાને ગુમાવ્યો છે.’
અગ્રણી NRI ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલે લોર્ડ નૂનને ‘સારા મિત્ર અને મહાન સાથી’ ગણાવી કહ્યું હતું કે,‘તેમની સિદ્ધિઓનું અમને ગૌરવ છે. તેમના પરિવારને મારો હૃદયપૂર્ણ દિલાસો પાઠવું છું.’
લંડનસ્થિત NRI હોટેલિયર, ભવન યુકેના ચેરમેન તેમ જ લોર્ડ નૂનના સૌથી જૂના મિત્રોમાં એક જોગીન્દર સાંગેરે અંજલિ આપતા કહ્યું હતું કે,‘તે મહાન મિત્ર અને મજબૂતપણે ધર્મનિરપેક્ષતામાં આસ્થા રાખનારા હતા. પોતાની માન્યતાઓને ધ્યાનમાં નહિ રાખીને મંદિરો તેમ જ કોઈ પણ પશ્ચાદભૂના સાંસ્કૃતિક કેન્દ્રોને દાન આપવામાં તેમણે કદી ખચકાટ અનુભવ્યો નથી.’