યુકેને સાત વર્ષ ઈમિગ્રેશન બ્રેક સાથે સિંગલ માર્કેટમાં રાખવાની યોજના

Tuesday 26th July 2016 05:59 EDT
 
 

લંડનઃ યુકેને યુરોપિયન સિંગલ માર્કેટની સુવિધા મળતી રહે તે સાથે સાત વર્ષ સુધી ઈમિગ્રેશન પર પ્રતિબંધ લાદી શકે તેવી જોગવાઈ સાથેના ઈયુ સોદાની શક્યતા વધી રહી છે. ડચ અને ઈટાલી દ્વારા આ પગલાને સમર્થન અપાઈ રહ્યું છે. યુકેના ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન બ્રિટન સિંગલ માર્કેટમાં પણ રહે અને મુક્ત અવરજવર પર અંકુશ લાદવા બાબતે વિશ્વાસ ધરાવે છે. જોકે, કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સાંસદોએ વડા પ્રધાન થેરેસા મે સમક્ષ આવી યોજના બાબતે વિરોધ દર્શાવ્યો છે. તેઓ કહે છે કે જનતાએ આ માટે બ્રેક્ઝિટની તરફેણ કરી ન હતી.

વરિષ્ઠ બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે યુકેને આકર્ષક સિંગલ માર્કેટમાં રાખવા અને ૫૦૦ મિલિયન યુરોપિયનો સાથે સંપર્ક જાળવવાની સાથોસાથ યુરોપિયન યુનિયનમાંથી ઈમિગ્રેશન મુદ્દે સાત વર્ષની ઈમર્જન્સી બ્રેક અપાય તેવી યોજના વિચારાઈ રહી છે. આ પગલાથી બ્રેક્ઝિટના કારણે આર્થિક આઘાત હળવો થવાની સાથે ઈમિગ્રેશન મુદ્દે લોકોની ચિંતા પણ ઘટશે.

ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન સહિત વરિષ્ઠ બ્રિટિશ મિનિસ્ટરો ઈયુના ૨૮ સભ્ય દેશો સાથે ટેરિફમુક્ત વેપાર અને ૫૦૦ મિલિયન ગ્રાહકોના બજાર સાથે સંકળાઈ રહેવા ઉત્સુક છે. જોકે, ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાન્દના નેતૃત્વમાં મુક્ત હેરફેર વિના બ્રિટનને સિંગલ માર્કેટમાં વિશેષ દરજ્જો અપાય તેનો વિરોધ થઈ રહ્યો છે. ઈયુ સિંગલ માર્કેટનો આધાર માલસામાન, સેવા અને મૂડીની સાથે નાગરિકોની મુક્ત હેરફેરનો પણ છે. પરંતુ યુકેને સિંગલ માર્કેટમાં રાખવા માટે સાતથી દસ વર્ષ વચ્ચેની ઈમર્જન્સી ઈમિગ્રેશન બ્રેક આપવાના વિચાર સાથે ઈટાલી અને ડચ સત્તાવાળા સહમત છે. જોકે, બ્રિટનમા વસતા યુરોપીય નાગરિકો ત્યાં રહી શકે તેવી ખાતરી બ્રિટિશ સરકારે આપવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter