લંડનઃ યુકેના કેન્ટમાં ડિસેમ્બરમાં જોવા મળેલો કોરોના વાઇરસ કોવિડ-૧૯નો નવો વેરીઅન્ટ વધારે જીવલેણ નીવડી શકે છે તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું. આ નવા વેરિઅન્ટને કારણે નેશનલ હેલ્થ સર્વિસ વધારે બોજ હેઠળ આવી ગઈ છે. તેમણે દેશમાં વધેલા મૃત્યુઆંક માટે આ વેરિઅન્ટ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે આમ છતાં, હાલ યુકેમાં અપાઈ રહેલી બંને વેક્સિન ફાઇઝર-બાયોએનટેક અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા તમામ વેરિઅન્ટ સામે અસરકારક છે.
યુકેના કેન્ટમાં ૨૦૨૦ની આખરમાં જોવા મળેલા કોરોના સ્ટ્રેન અંગે જ્હોન્સને સ્વીકાર્યું હતું કે પ્રાથમિક ડેટા અનુસાર નવો વેરિઅન્ટ વધારે ઘાતક જણાય છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રાપ્ત માહિતી અનુસાર નવો વાઈરસ સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાય છે. આના વિશે કેટલાક પુરાવા પણ મળ્યા છે અને તેના વિશે સૌપ્રથમ જાણકારી લંડન અને સાઉથ ઈસ્ટમાં મળી હતી. આને કારણે જ મૃત્યુઆંક વધ્યો હોય તેમ બની શકે છે.
સરકારના મુખ્ય સાયન્ટિફિક સલાહકાર સર પેટ્રિક વોલેન્સે જણાવ્યું હતું કે જેમને નવા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોય તેમને માથે વધારે જોખમ રહેલું છે. જે લોકોની વય ૬૦ વર્ષથી વધુ હોય તેમના માટે આ સ્ટ્રેનના કારણે મોત થવાનું જોખમ ૩૦ ટકા વધારે છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાં જોવા મળેલાં કોરોના વેરિએન્ટ્સ વધુ ચિંતાજનક છે કારણકે તેના પર વેક્સિનની અસર શંકાસ્પદ છે અને તે કેટલા ચેપી છે તેના વિશે જાણકારી મળતી નથી. બીજી તરફ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકન વેરિએન્ટ વેક્સિનની અસર ૫૦ ટકા જેટલી ઘટાડી નાખે છે.
કોરોનાનો બ્રિટિશ સ્ટ્રેન ૬૦ દેશમાં ફેલાયો
કોરોના વાઈરસનો ભારે ચેપી વેરિઅન્ટ B.1.1.7 અથવા VOC 202012/01 ઓછામાં ઓછાં ૬૦ દેશમાં ફેલાયો હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે. મોટા ભાગના યુરોપ ખંડ તેમજ યુએસ, ઓસ્ટ્રેલિયા, ભારત, ચીન અને સાઉદી અરેબિયા સહિતના દૂરના દેશો આ ૫૦ ટકા વધુ ચેપી મનાયેલા કોરોના વેરિએન્ટની લપેટમાં આવેલા છે. ગત સપ્તાહે જ નવા ૧૦ દેશમાં તેણે દેખા દીધી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ યુએસના ફ્લોરિડા અને કેલિફોર્નિયા સહિત ૨૨ રાજ્યોમાં ઓછામાં ઓછાં ૧૨૨ કેસ ગત સોમવારે જોવાં મળ્યાં હતાં. સૌપહેલા યુકેના કેન્ટમાં જોવા મળેલો સ્ટ્રેન બ્રિટને ચેતવણી જાહેર કરી તેના છ સપ્તાહ પહેલા જ યુએસ (૬ નવેમ્બર) પહોંચ્યો હતો. યુકેમાં સખત લોકડાઉનની સલાહ આપનારા ઉચ્ચ વિજ્ઞાની સલાહકારોએ સરકારને નવા સ્ટ્રેન અંગે ડિસેમ્બરની મધ્યમાં જાણકારી આપી હતી.


