ગ્લાસગોઃ યુકેએ ગ્રીન ઈનિશિયેટિવની જાહેરાત કરી વિકાસશીલ દેશોમાં સ્વચ્છ ટેકનોલોજીસ વિકસાવવા આગામી પાંચ વર્ષમાં ૩ બિલિયન પાઉન્ડનું ભંડોળ ખર્ચશે. Cop26 સમિટમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે ક્લીન ગ્રીન ઈનિશિયેટિવ ક્લાઈમેટ ચેન્જ સમસ્યાનો હલ લાવવા સાથે આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપશે તેવી આશા છે.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે,‘હું યુકેનું ગ્રીન ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન વિશ્વમાં પ્રસરે તેમ નિહાળવા ઈચ્છું છું. ક્લીન ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તની ગતિ અભૂતપૂર્વ છે છતાં, આપણી પૃથ્વીને બચાવવાની સ્પર્ધામાં કોઈ દેશ પાછળ રહી જવો ન જોઈએ. ક્લીન ગ્રીન ઈનિશિયેટિવ દ્વારા આપણે બહેતર અને હરિયાળા વિશ્વના પુનઃનિર્માણમાં મદદ કરવાની છે અને વિશ્વને વધુ ટકાઉ ભવિષ્ય તરફના માર્ગે મૂકવાનું છે.’
ક્લીન ગ્રીન ઈનિશિયેટિવ હેઠળના ફંડમાં નવી ક્લાઈમેટ ઈનોવેશન ફેસિલિટી માટે ૨૦૦ મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે જે કોમ્યુનિટીઝને ક્લાઈમેટ ચેન્જની અસરોનો સામનો કરવામાં મદદ કરે તેવી ટેકનોલોજીઓને સપોર્ટ કરશે. આમાં દુકાળવિરોધી કૃષિ અને ટકાઉ વનીકરણને મદદ કરતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન, વિયેટનામમાં ગ્રીન બોન્ડ્સ, બુર્કિના ફાસો, પાકિસ્તાન, નેપાળ અને ચાડમાં સોલાર પાવર યોજનાઓને ફાઈનાન્સિંગ કરાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ્સથી ખાનગી ક્ષેત્ર દ્વારા વધારાના ૪૭૦ મિલિયન પાઉન્ડનું ફાઈનાન્સ મળવાની ધારણા છે.