લંડનઃ બ્રિટનને ધુમ્રપાનમુક્ત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે એક ક્રાંતિકારી અને કડક કાયદો લાવવાની દિશામાં પગલું ભર્યું છે. નવા પ્રસ્તાવિત નિયમ મુજબ 31 ડિસેમ્બર 2008 પછી જન્મેલી કોઈપણ વ્યક્તિને બ્રિટનમાં ક્યારેય કાયદેસર રીતે સિગારેટ કે તમાકુના ઉત્પાદનો વેચી શકાશે નહીં.
વર્તમાન કાયદા હેઠળ સિગારેટ ખરીદવાની લઘુતમ વય દર વર્ષે એક વર્ષ વધારવામાં આવશે, જેનો અર્થ છે કે આજની પેઢીના યુવાનો ક્યારેય કાયદેસર રીતે ધૂમ્રપાન કરી શકશે નહીં. બ્રિટિશ સંસદમાં આ બિલ પર થયેલા મતદાનમાં તેને વ્યાપક સમર્થન મળ્યું છે. સરકારનો હેતુ આવનારી પેઢીને નિકોટિનની લતથી બચાવવાનો અને સ્વાસ્થ્ય સેવાઓ પર વધતા બોજને ઘટાડવાનો છે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે યુકેની આ સૌપ્રથમ સિગારેટમુક્ત પેઢી હશે. ધૂમ્રપાનનો અંત આવવાથી તેની વિનાશક અસરોથી બચી શકાય છે. યુકેમાં હેલ્થ સર્વિસ પરનું દબાણ ઘટાડી શકાશે. સ્મોકિંગ એન્ડ હેલ્થ પરની કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ હેઝલ ચીઝમેને જણાવ્યું હતું કે આ કરવું અત્યંત આવશ્યક થઈ પડયું હતું.
આ નિયમને કાયદો બનાવવા માટે કિંગ ચાર્લ્સ-3ની ઔપચારિક મંજૂરીની જરૂર પડશે. કાયદાનુસાર સરકાર વિવિધ ફ્લેવર્સ અને પેકેજિંગમાં આવતી તમાકુ, વેપિંગ અને નિકોટિન પ્રોડક્ટ્સને નિયંત્રિત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે યુકેમાં આજે પણ 64 લાખ લોકો ધૂમ્રપાન કરે છે, જે તેની કુલ વસ્તીના 13 ટકા જેટલા લોકો થાય છે. તેનાથી વર્ષે 80,000ના મોત પણ થાય છે. જોકે, યુકેમાં 1970ના દાયકાની સરખામણીએ હાલ બે તૃતિયાંશ સ્મોકરો ઓછા છે.


