લંડનઃ સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ થિન્ક ટેન્કના ચોંકાવનારા અભ્યાસ અનુસાર બ્રિટનમાં 2014થી સર્જાયેલી નવી પાંચમાંથી ચાર નોકરીઓ બ્રિટિશ નાગરિકને નહિ, પરંતુ ઓવરસીઝ વર્કર્સના ફાળે ગઈ છે. ગત 12 વર્ષમાં બ્રિટનમાં વર્કફોર્સ માટે 3.7 માલિયન નોકરીઓ ઉમેરાઈ છે.
આ નોકરીઓમાંથી બ્રિટિશ નાગરિકોને 734,000 નોકરીઓ મળી છે, પરંતુ આશરે 2.5 મિલિયન નોકરી યુરોપિયન યુનિયનની બહારના દેશોના નાગરિકોને મળી છે. સૌથી નાનો હિસ્સો એટલે કે 408,000 નોકરીઓ ઈયુના નાગરિકોને મળ્યો હતો. દરિયાપારના કામદારોની વિશાળ બહુમતીને હોસ્પિટાલિટી, રિટેઈલ અને સોશિયલ કેરના ક્ષેત્રોમાં નોકરીઓ મળી હતી. તમામ વધારાની નોકરીઓમાંથી બે તૃતિઆંશ નોકરીઓ ઈયુ બહારના વર્કર્સને અપાઈ હતી. આ તારણો પૂર્વ કન્ઝર્વેટિવ લીડર તથા વર્ક અને પેન્શન્સ સેક્રેટરી સર ઈઆન ડંકન સ્મિથના નેતૃત્વ હેઠળની વેલ્ફર સિસ્ટમના અભ્યાસનો હિસ્સો છે.
વેલ્ફેર સિસ્ટમની સતત વધતી જતી કોસ્ટને હળવી બનાવવાના ઉપાયો શોધવામાં મિનિસ્ટર્સ દબાણ હેઠળ છે. સત્તાવાર આંકડા અનુસાર વર્કિંગ એજના વયસ્કોને બેનિફિટ્સની કોસ્ટ આગામી વર્ષ સુધીમાં 136.1 બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી જશે, જે મહામારીના આરંભ પછી લગભગ 50 બિલિયન પાઉન્ડનો વધારો સૂચવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં માઈગ્રેશન ઓબ્ઝર્વેટરી અનુસાર બોરિસ જ્હોન્સનની બ્રેક્ઝિટ બાદની નીતિઓના પગલે માઈગ્રેશનમાં ભારે વધારો થયો હતો. ‘બોરિસવેવ’ના બાગરૂપે 2021થી 2025ના ગાળામાં ઈયુની બહારના આશરે 3.4 મિલિયન લોકો સ્થળાંતર કરી બ્રિટન આવ્યા હતા. આ જ ગાળામાં ઈયુથી આવેલા લોકોની સરખામણીએ આશરે વધુ 162,000 લોકો યુકે છોડીને ગયા હતા.
સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દેશના વર્કફોર્સની વિશાળ બહુમતી યુકેના નાગરિકોની બનેલી છે અને બ્રિટિશ નાગરિકોને પ્રાથમિકતા તેમજ દેશના અર્થતંત્ર માટે જરૂરી ઉચ્ચ કૌશલ્યની પ્રતિભાઓને આવકારવા નવી કૌશલ્ય આધારિત માઈગ્રેશન સિસ્ટમ સહિત સંખ્યાબંધ ફેરફારો દાખલ કરવામાં આવ્યા છે.

