લંડન
યુકે 30 કરોડ જેટલા કોઢ ઊંદરોની ફોજનો સામનો કરી રહ્યો છે. આ પ્રકારના કોઢ ઊંદરો કોન્ક્રિટની દિવાલોને ખોતરી કાઢવામાં સક્ષમ હોય છે. લોકડાઉન બાદ યુકેમાં ઊંદરોની સંખ્યામાં મોટો વધારો થયો છે. ઊંદરો પરના નિષ્ણાત ગ્રીનવિચ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ બાલમેઇન કહે છે કે મારા અંદાજ પ્રમાણે અત્યારે યુકેમાં 20થી 30 કરોડ ઊંદરો છે. ઊંદરો તેમના દાંત મજબૂત અને તિક્ષ્ણ બને તે માટે ચીજવસ્તુઓને કોતરતા રહે છે. મોટા કોઢ ઊંદરો કોન્ક્રિટની દિવાલો અને મેટલને પણ કોતરી નાખે છે. અત્યારના ઊંદરોમાં હવે સ્ટીલ અને હાર્ડ પ્લાસ્ટિકને કોતરી નાખવાની ક્ષમતા પણ આવી ગઇ છે.
છેલ્લા 15 વર્ષથી પેસ્ટ કન્ટ્રોલનું કામ કરતા ક્રેગ મોરિસ કહે છે કે ઊંદરો એક મોટી સમસ્યા બની રહ્યાં છે. કુદરતમાં તેમની અસ્તિત્વ જાળવી રાખવાની ક્ષમતા અદ્દભૂત છે. કચરો વધવાના કારણે ખોરાક ઉપલબ્ધ બનતાં ઊંદરોની વસતીમાં પણ વધારો થઇ રહ્યો છે. પેસ્ટ કન્ટ્રોલ નિષ્ણાત ઇયાન હેલેન્ડ્સ કહે છે કે ઊંદરો હવે વધુ સાહસિક બની રહ્યાં છે. જો તેઓ તમારા ઘરમાં ઘૂસવા માગે છે તો ગમે તે રીતે ઘૂસીને જ રહેશે. ઊંદરોની વસતીમાં મોટો વધારો થઇ રહ્યો છે. મેં તો કેટલાક બિલાડીના કદના ઊંદરો જોયાં છે. યુકેમાં સૌથી મોટા કદનો ઊંદર 21 ઇંચનો નોંધાયો હતો. તેનું કદ એક નાનકડા શ્વાન જેટલું હતું.
ઊંદરો પર હવે ઝેરની પણ અસર થતી નથી
નિષ્ણાતો કહે છે કે ઊંદરોની કેવળ વસતી વધી રહી નથી પરંતુ તેમના પર હવે ઝેરની પણ અસર થતી નથી. કેટલાક ઊંદર તો બે ફૂટ લાંબા હોય છે અને તેમના પર દુકાનોમાં મળતી ઊંદરો મારવાની દવાની પણ અસર થતી નથી. આ પ્રકારના ઊંદરો ગંભીર ઘાતકી બિમારીઓના વાહક હોવાથી માનવ આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહ્યાં છે. નિષ્ણાતો કહે છે કે ઊંદરો ઝેરથી મરવાના બદલે તેનો ઉપયોગ પોતાનું કદ, શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કરે છે.


