લંડનઃ યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર લગભગ 50 ટકા જેટલા સગીરોએ સ્વીકાર્યું છે કે તેમને સોશિયલ મીડિયાનું વ્યસન થઇ ગયું છે. 16થી 18ની વયજૂથના 48 ટકા સગીરો સહમત થયાં હતાં કે તેમને સોશિયલ મીડિયાનું વ્યસન થઇ ગયું છે. યુવતીઓમાં સોશિયલ મીડિયાનું વળગણ સગીરો કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. 57 ટકા સગીરાઓ સ્વીકારે છે કે તેઓ સોશિયલ મીડિયા વિના રહી શક્તી નથી.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પીએચડી સ્ટુડન્ટ જ્યોર્જિયા ટર્નરે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનું વ્યસન ડ્રગ્સના વ્યસન જેવું નથી. તેમ છતાં તમે જો તેના પર નિયંત્રણ ન મેળવી શક્તાં હો તો તે તમારા માટે સારું નથી. ઘણા લોકો સોશિયલ મીડિયા વિના રહી શક્તા નથી તે બાબત આઘાતજનક છે.
તાજેતરમાં જ ઓફકોમ દ્વારા ઓનલાઇન સેફ્ટી એક્ટ અમલી બનાવાયો છે જેના પગલે સોશિયલ મીડિયા પરના હાનિકારક કન્ટેન્ટ પર નિયંત્રણ લાદી શકાશે પરંતુ આ કાયદાથી સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગને અટકાવી શકાશે નહીં. ઓફકોમના જણાવ્યા અનુસાર 13થી 17ની વયજૂથના 48 ટકા સગીરોને ઓનલાઇન રહેવાનું ગમે છે. તેમને લાગે છે કે સોશિયલ મીડિયા તેમની માનસિક તંદુરસ્તીને સુધારે છે.

