યુકેમાં 9 ટકાનો વિક્રમી ફુગાવોઃ 40 વર્ષની સૌથી ટોચે પહોંચ્યો

Wednesday 25th May 2022 06:45 EDT
 
 

લંડનઃ વિશ્વભરના અગ્રણી અર્થતંત્રોમાં ફુગાવો સતત વધી રહ્યો છે ત્યારે યુકેમાં ફુગાવો 9 ટકાની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે જે 40 વર્ષની ટોચે છે. ખાદ્યપદાર્થો અને એનર્જીના બિલ્સમાં ભારે વધારા તથા ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચના સંજોગોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. માર્ચ મહિનામાં ફૂગાવો 7 ટકાના સ્તરે હતો જે એપ્રિલમાં વધીને 9 ટકાની સપાટીએ પહોંચ્યો છે. ચાન્સેલર રિશિ સુનાકે વધેલા ફુગાવા માટે એપ્રિલમાં ઊર્જાસ્રોતોની કિંમતોમાં વધારાને જવાબદાર ગણાવ્યો છે.

ગેસ અને ઈલેક્ટ્રિસિટીની વધતી કિંમતોએ પરિવારોના બજેટ ખોરવી નાખ્યાં છે કારણકે એનર્જી બિલ્સ વિક્રમી સ્તરે પહોંચ્યા છે. આના પરિણામે, એપ્રિલ મહિનામાં ફૂગાવો પણ 9 ટકાની સપાટીએ પહોંચ્યો છે જે, 1982 પછી પ્રથમ વખત સૌથી ઊંચા સ્તરે છે. ખાદ્યપદાર્થો અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)ને વધારી દીધો છે. આના પરિણામે, મધ્યમ અને ઓછી આવક સાથેના લાખો પરિવારો માટે જીવનનિર્વાહની કટોકટી સર્જાયેલી છે. ચાન્સેલર રિશિ સુનાક પર હાઉસહોલ્ડ બિલ્સમાં ભારે ઉછાળાના કારણે રોજિંદા બજેટનો ખર્ચ હળવો કરવાના પગલાં લેવા ભારે દબાણ છે. એનર્જી બિલ્સમાં વધારા પછી ફૂડ પેકેજીસની માગ વધી હોવાનું ફૂડ બેન્ક્સે જણાવ્યું છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જણાવાયું હતું કે એપ્રિલમાં એનર્જી પ્રાઈસની મર્યાદામાં 54 ટકા વધારાથી ગેસ અને ઈલેક્ટ્રિસિટીનું સરેરાશ વાર્ષિક બિલ 2000 પાઉન્ડ સુધી પહોંચી ગયું હતું જે CPIને 9 ટકા સુધી લઈ જવાનું મુખ્ય કારણ છે. ગત વર્ષે એપ્રિલમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ 125.5p હતો જે એપ્રિલ 2022માં વધીને વિક્રમી 161.8pની કિંમતે પહોંચ્યો હતો. ડિઝલમાં પણ જંગી ભાવવધારો થયો છે. હોસ્પિટાલિટી સેક્ટરમાં VATના કાપમાં કામચલાઉ અંતથી પણ રેસ્ટોરાં અને હોટેલ્સમાં ભાવ વધ્યા હતા. ફોરેન એક્સચેન્જ બજારમાં પાઉન્ડના મૂલ્ય ઘટવાથી પણ બિઝનેસીસ પર વધુ દબાણ સર્જાયું છે.

સુનાકે જણાવ્યું હતું કે, ‘વિશ્વભરના દેશો વધતા ફુગાવાનો સામનો કરી રહ્યા છે. ફુગાવાના વર્તમાન આંકડા માટેનું મુખ્ય કારણ ક્રૂડ અને ગેસના વૈશ્વિક ભાવમાં વધારો છે. આપણે નાગરિકોને આ વૈશ્વિક પડકારોમાંથી સંપૂર્ણપણ બચાવી શકીએ નહિ, પણ તેમને નોંધપાત્ર સહાય પૂરી પાડી શકીએ. અમે વધુ પગલાં લેવા તૈયાર છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter