યુકેમાં £૭૩ બિલિયનનો ક્રેડિટ કાર્ડ પરપોટો ફૂટી જશે? પુખ્ત વ્યક્તિદીઠ દેવું £૧૪૦૦ !

Wednesday 24th April 2019 02:24 EDT
 
 

લંડનઃ ગત દસકામાં સમગ્ર યુકેમાં ક્રેડિટ કાર્ડ થકી કરાતાં ધીરાણ ઝડપથી વધી રહ્યાં છે ત્યારે ક્રેડિટ કાર્ડનું દેવું સમયસર નહિ ચુકવતાં ગ્રાહકોની સંખ્યા નોંધપાત્રપણે વધતી હોવાનું બેન્કો કહે છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના જણાવ્યા અનુસાર પાંચમાંથી એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ ફર્મ્સને ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં તેમના ખાતાઓ ડિફોલ્ટ થતાં હોવાનો અનુભવ થયો છે, જે બે વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ ૨૦૦૯ પછી પ્લાસ્ટિક નાણાના દેવાંની રકમ ૪૧ ટકા વધીને ફેબ્રુઆરીમાં વિક્રમજનક ૭૨.૬ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી છે. આ રકમ બ્રિટનમાં પુખ્ત વયની વ્યક્તિદીઠ ૧૩૬૪ પાઉન્ડની સમકક્ષ થાય છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા મોટા ધારાણકારોનો સર્વે કરાયો હતો, જેમાંથી ૨૨.૯ ટકાએ જણાવ્યું હતું કે તેમના વધુ અને વધુ ગ્રાહકો ક્રેડિટ કાર્ડ બિલ્સની ચુકવણીમાં નિષ્ફળ જઈ રહ્યા છે. સમસ્યા એ છે કે અતિ સસ્તી ક્રેડિટ ઓફર્સના પરિણામે ગ્રાહકો તેમનું દેવું નવા કાર્ડ પર ટ્રાન્સફર કરી શકે છે અને ઘણા મહિના સુધી વ્યાજ ચૂકવતા નથી. એક ઓફરમાંથી બીજી ઓફરમાં જઈ નાણા ચૂકવવામાં વિલંબ કરી શકાશે તેવી માન્યતાથી લોકો દેવું વધારતાં જ જાય છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ધીરાણકારોને પત્ર લખી જોખમી કાર્ડ ધીરાણને અંકુશિત કરવાની ચેતવણી પણ અપાઈ છે.

ઘણાં ધીરાણકારોએ પોતાના નિયમો કડક બનાવ્યાં છે, જેથી ગ્રાહકને ડીલ્સ મેળવવા સારાં ક્રેડિટ રેકોર્ડ્સની જરૂર પડે છે. જે કરજદારો તેમના દેવાંની આડેધડ હેરાફેરી કરી વ્યાજ ચુકવવાનું ટાળતા હતા તેમણે પોસાય નહિ તેવું વ્યાજ ભરવું પડે છે. યુકે ફાયનાન્સના આંકડા મુજબ તો કુલ દેવાંના ૪૪ ટકા અથવા ૨૯.૪ બિલિયન પાઉન્ડ હજુ પણ એવાં ક્રેડિટ કાર્ડ પર છે, જ્યાં વ્યાજ ચાર્જ કરાતું નથી એટલે કે ઝીરો-ઈન્ટરેસ્ટ ડીલ છે. જો ઝીરો-ઈન્ટરેસ્ટની શરત નીકળી જાય તો સંખ્યાબંધ ગ્રાહકોને વ્યાજ ચૂકવવામાં સંઘર્ષ કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter