યુકેમાં અભૂતપૂર્વ ગેસ એનર્જી કટોકટી

Wednesday 22nd September 2021 06:25 EDT
 

લંડનઃ યુકે હાલ ગેસની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. ગેસના જથ્થાબંધ ભાવમાં ગયા મહિના પછી જોરદાર ૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે અને મુશ્કેલીમાં મૂકાયેલી પ્રોવાઈડર્સ કંપનીઓને મદદ કરવા કરદાતાઓના બિલિયન્સ પાઉન્ડ્સ ખર્ચવા પડે તેવી હાલત સર્જાઈ છે. કરદાતાઓ એનર્જી બિલ્સમાં ભારે વધારાનો સામનો કરી રહ્યા છે ત્યારે સંખ્યાબંધ ઉદ્યોગોના ચાલવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. આ બધા વચ્ચે, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગ અને COP26ના પ્રેસિડેન્ટ આલોક શર્મા લોકોને જરા પણ નહિ ગભરાવાની હાકલો કરી રહ્યા છે. બિઝનેસ સેક્રેટરીએ એનર્જી ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ સાથે વાતચીત પણ આરંભી હતી. બીજી તરફ, સરકારે અસહાય લોકોને રક્ષણ આપવા ગ્રીન લેવીઝ પડતી મૂકવાનો ઈનકાર કર્યો છે.

નિષ્ણાતોના કહેવા મુજબ હાઉલહોલ્ડ એનર્જીમાં ઊંચા આસમાને જઈ રહેલાં કેટલાક બિલ્સ એપ્રિલ મહિના સુધીમાં બમણાં થઈ જશે આ ઉપરાંત, ફૂડ સપ્લાઈઝ અને મેડિકલ પ્રોસીજર્સને પણ સહન કરવાનું આવશે. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે સમસ્યાઓ એટલી ગંભીર છે કે આ શિયાળામાં ઘરપરિવારોમાં લાઈટ્સ ચાલુ રાખવા માટે સૌથી અસરગ્રસ્ત કંપનીઓમાં ત્રણ દિવસનું સપ્તાહ કરવાની ફરજ પડશે અને ૧૯૭૦ના દાયકાના દિવસોની યાદ અપાવશે.

સરકારના પગલાં શું હોઈ શકે?

તાજેતરમાં પીપલ્સ એનર્જી સહિત પાંચ એનર્જી સપ્લાયર્સના કામકાજ બંધ થઈ ગયા છે. બ્રિટિશ ગેસે પીપલ્સ એનર્જીના વધારાના ૩૫૦,૦૦૦ ડોમેસ્ટિક કસ્ટમર્સને સંભાળવા પડ્યા છે. યુકેની છઠ્ઠા ક્રમની સૌથી મોટી એનર્જી કંપની બલ્બ પણ સરકારની મદદ માગી રહી છે. સરકાર અન્ય કસ્ટમર્સને પોતાના હસ્તક લેવા કંપનીઓને લોન પૂરી પાડી શકે અથવા સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટર નીમી નાના સપ્લાયર્સનું રાષ્ટ્રીયકરણ કરવાનું પગલું પણ લઈ શકે છે. જોકે, અન્ય પ્રોવાઈડર્સ વધારાના ગ્રાહકો સંભાળવાનો ઈનકાર કરે તેવી પણ ચિંતા છે. સરકાર પોતાનો વહીવટ ચલાવી ન શકે તેવી ફર્મ્સનો અંકુશ લેવા ‘બેડ બેન્ક’ની સ્થાપના કરે તેવો પણ વિકલ્પ છે. બોરિસ જ્હોન્સન સરકારે કન્ઝ્યુમર્સ બિલ પર ગ્રીન લેવી રદ કરવા કે સસ્પેન્ડ કરવાની એનર્જી ફર્મ્સની માગણીમાં ટોરી સાંસદો પણ જોડાયા છે.

એનર્જી ભાવની કટોકટી શાથી સર્જાઈ?

કોરોના મહામારીમાં લગભગ ઠપ થઈ ગયેલા ઉદ્યોગો અને અર્થતંત્રનું કામકાજ વધી રહ્યું છે તેની સાથે જ એનર્જી-ગેસની માગ પણ વધી છે. યુકે સહિત યુરોપમાં ટુંક સમયમાં શિયાળાનું આગમન થશે જ્યારે ગેસની માગ અને ખપત સૌથી વધુ રહેશે. યુકે જેવા દેશોમાં ઘરને ગરમ રાખવા ગેસનો સૌથી વધુ ઉપયોગ થાય છે. યુકેમાં નોર્થ સીમાં અનેક ગેસ પ્લેટફોર્મ્સ મહામારીમાં કરી નહિ શકાયેલી મેઈન્ટેનન્સની કામગીરી માટે બંધ કરી દેવાયા છે. બીજી તરફ, ફ્રાન્સથી આયાત કરાતી ઈલેક્ટ્રિસિટીના કેબલ્સને પણ નુકસાન પહોંચ્યું છે અને સપ્ટેમ્બર મહિનામાં સૂસવાટા મારતા પવનો ન હોવાથી વિન્ડ એનર્જી પણ ઓછી મળવાના કારણે વીજ ઉત્પાદન માટે પણ વધુ ગેસની જરૂર પડે છે. આ ઉપરાંત, રશિયાથી આવતા ગેસ પુરવઠામાં પણ ઘટ પડી છે અને એશિયામાં માંગ વધી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ સર્જાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter