યુકેમાં અભૂતપૂર્વ હીટવેવથી 2,700 અને યુરોપમાં 10,000થી વધુ મોતનો અંદાજ

બ્રિટનમાં હીટવેવનો નવો રકોર્ડ, સતત આઠમા દિવસે તાપમાન 34 ડિગ્રીને પાર

Tuesday 14th July 2026 09:28 EDT
 
 

લંડનઃ યુકેમાં મે અને જૂન મહિના દરમિયાન પડેલી અસાધારણ ગરમીના કારણે 2700થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા નિષ્ણાતોના અંદાજમાં વ્યક્ત કરવામાં આવી છે. ઇમ્પિરિયલ કોલેજ લંડન, મેટ ઓફિસ અને લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકોની ટીમ દ્વારા તૈયાર કરાયેલો આ આંકડો અતિશય ગરમીના કારણે સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોના અભ્યાસ પર આધારિત છે. જૂનના અંતમાં પશ્ચિમ યુરોપમાં ત્રાટકેલા રેકોર્ડબ્રેક હીટવેવ દરમિયાન 10,000થી વધુ વધારાના મોત નોંધાયા છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમર્થિત મોર્ટાલિટી મોનિટરિંગ નેટવર્કના આંકડા દર્શાવે છે કે 22 જૂનથી 28 જૂન દરમિયાનના સપ્તાહમાં 10,650 વધારાના મોત નોંધાયા હતા.

યુકેમાં ગયા સપ્તાહમાં હીટવેવે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. સતત આઠમા દિવસે ગરમીનનોપારો 34 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે જૂન 2026 પશ્ચિમ યુરોપ માટે ઇતિહાસનો સૌથી ગરમ જૂન મહિનો રહ્યો હતો અને વૈશ્વિક સ્તરે આ બીજો સૌથી ગરમ મહિનો નોંધાયો છે. નોરફોકના લિંગવુડમાં તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેણે 1957માં નોંધાયેલા 35.6 ડિગ્રી સેલ્સિયસના અગાઉના સર્વોચ્ચ રેકોર્ડને તોડી નાખ્યો હતો. બીજી તરફ મે મહિનામાં પણ ગરમીએ નવો ઇતિહાસ રચ્યો હતો. 26 મેના રોજ ક્યુ ગાર્ડન્સમાં તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1922 અને 1944ના 32 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter