લંડન
સાંસ્કૃતિક સંબંધો અને શૈક્ષણિક તકો માટેના યુકેના આંતરરાષ્ટ્રીય સંગઠન બ્રિટિશ કાઉન્સિલ દ્વારા સ્ટડી યુકે એલ્યુમ્ની એવોર્ડ્સ 2023નું આયોજન કરાયું હતું જેમાં યુકેમાં અભ્યાસ કરી ભારતમાં સંશોધન, બિઝનેસ, ઉદ્યોગ સાહસિકતા, સમાજસેવા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવનારા લોકોને સન્માનિત કરાયાં હતાં. કોલકાતામાં ઓબેરોય ગ્રાન્ડ ખાતે આયોજિત સમારોહમાં સરકારી મહાનુભાવો, પદ્મશ્રી દીપા મલિક, ખેલ રત્ન અર્જુન પુરસ્કાર વિજેતા સૌરવ ઘોષાલ, સ્ક્વોશ પ્લેટર અને અર્જુન એવોર્ડ વિજેતા અનિર્બન આદિત્ય સહતિના આગેવાનો હાજર રહ્યાં હતાં.
આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આ નવમુ વર્ષ હતું. યુકેમાં અભ્યાસ કરીને સમગ્ર વિશ્વમાં સિદ્ધીઓ પ્રાપ્ત કરનારા લોકોને આ ઇવેન્ટમાં સન્માનિત કરાય છે. આ વર્ષે 100 દેશોમાંથી 1200 કરતાં વધુ નોમિનેશન મળ્યાં હતાં જેમણે યુકેની 120 કરતાં વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો. જજિંગ પેનલ દ્વારા ચાર કેટેગરીમાં એવોર્ડ વિજેતાઓની પસંદગી કરાઇ હતી.
ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા અભિનવ સિંહાને સાયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. અભિનવ સિંહા હાલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેલેરિયા રિસર્ચ ખાતે સીનિયર સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતેથી જર્નાલિઝમનો અભ્યાસ કરનાર લેખિતા પૂજા ચંગોઇવાલાને કલ્ચર એન્ડ ક્રિએટિવિટી એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. તેઓ ભારતીય સમાજના પછાત વર્ગો પર કામ કરી રહ્યાં છે અને તેમના લેખ સમગ્ર વિશ્વના 50 કરતાં વધુ જાણીતા પ્રકાશનોમાં પ્રસિદ્ધ થાય છે.
સમાજમાં અસામાન્ય યોગદાન માટે અપાતો સોશિયલ એક્શન એવોર્ડ ભારતમાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને યુકેની ડરહામ યુનિવર્સિટીના વિદ્યાર્થિની સુગંધા યાદવને અપાયો હતો.
નવા સંશોધનો માટેનો બિઝનેસ એન્ડ ઇનોવેશન એવોર્ડ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા સૌમ્યા સિંહ રાઠોરને એનાયત કરાયો હતો. સૌમ્યા સિંહ રાઠોર ભારતની સૌથી મોટી ઇન્ટરેક્ટિવ એન્ટરટેનમેન્ટ કંપની વિન્ઝોના સહસ્થાપક છે.


