લંડન
બ્રિટનમાં અભ્યાસ કરીને વિવિધ સેક્ટરમાં નોંધપાત્ર પ્રદાન આપનારા ભારતીયોનું સન્માન કરવા માટે બ્રિટિશ કાઉન્સિલ અને યુકે ગવર્મેન્ટના ટ્રેડ ડિપાર્ટમેન્ટના સહયોગમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન એન્ડ એલ્યુમ્ની યુનિયન યુકે દ્વારા એક સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બ્રિટનમાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરનારા 75 જેટલા ભારતીય વિદ્યાર્થીને સન્માનિત કરાયાં હતાં. આ પ્રસંગે તેમણે બ્રિટનના શિક્ષણ સંસ્થાનોમાં અભ્યાસ કરતી વખતે મેળવેલા અનુભવ અને પોતાની કારકિર્દીના નિર્માણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે બ્રિટિશ સાંસદ વિરેન્દ્ર શર્માએ ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા અને યુવા બ્રિટિશ ભારતીયોને રાજકારણમાં ઝંપલાવવા આહવાન કર્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે કુદરતી ભાગીદાર દેશો અને મિત્રો છે. એકસમયે શોષણના આધારે બંધાયેલા સંબંધો આજે સમાન ભાગીદારી, લોકશાહી, ઉદ્યોગ અને ટેકનોલોજી આધારિત બની ગયાં છે.
આ પ્રસંગે હાજર રહેલા ટોરી સાંસદ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સિદ્ધીઓ પ્રાપ્ત કરનારા ભારતીયોને પ્રેરણાદાયી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુકે અને ભારત પરસ્પર સન્માન ધરાવતા દેશો છે. હું હોમ સેક્રેટરી હતી ત્યારે મેં વધુ ભારતીય વિદ્યાર્થી યુકે આવે તે સુનિશ્ચિત કર્યું હતું. આ માટે આપણે પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનો આભાર માનવો જોઇએ કારણ કે તેઓ ભારત અને યુકેના મજબૂત સંબંધોના હિમાયતી છે. અહીં અભ્યાસ અને કામ કરવા આવતા ભારતીયો યુકેના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.
આ પ્રસંગે હાજર રહેલા લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, યુકે વિશ્વમાં વિદ્યાર્થીજીવનના શ્રેષ્ઠ અનુભવ આપતો દેશ છે. ભારતીય વિદ્યાર્થીઓમાં યુકે ઘણો લોકપ્રિય છે. હાલ યુકેમાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો ચીનને પછડાટ આપીને પ્રથમ સ્થાને આવી ગયાં છે.


