લંડનઃ યુકેમાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ટીકા કરતા રિપોર્ટનો ભારતીય વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા શરૂ કરાયેલા ગ્રેજ્યુએટ રૂટ ગ્લોબલ ટેલેન્ટને આકર્ષી રહ્યો નથી પરંતુ તેના બદલે વિદ્યાર્થીઓ ઓછી ફી ધરાવતી અને ઓછી પસંદ કરાતી યુનિવર્સિટીઓ પસંદ કરી રહ્યાં છે જેના કારણે તેમને ઓછું કૌશલ્ય ધરાવતી અને ઓછા પગારની નોકરીઓ કરવી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુકે દ્વારા જારી કરાતા સ્ટુડન્ટ વિઝામાં સૌથી મોટો હિસ્સો ભારતીય વિદ્યાર્થીઓનો છે. 2022માં 1,39,700 સ્ટુડન્ટ વિઝા જારી કરાયા હતા જેમાંથી 30 ટકા વિઝા ભારતીય વિદ્યાર્થીને મળ્યા હતાં. ગ્રેજ્યુએટ રૂટ જુલાઇ 2021થી અમલમાં આવ્યો છે જેમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને અભ્યાસ પૂરો થયા પછી યુકેમાં નોકરી કરવાની પરવાનગી અપાય છે.
યુકેની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ જારી કરેલા વાર્ષિક રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે ગ્રેજ્યુએટ રૂટનો ઉપયોગ યોગ્ય વિદ્યાર્થીઓને બદલે ભળતા વિદ્યાર્થીઓ દ્વારા જ થઇ રહ્યો છે. જેના કારણે સરકાર દ્વારા જે ઉદ્દેશથી આ રૂટ શરૂ કરાયો હતો તેનો હેતૂ સરી રહ્યો નથી. કેટલાક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ દ્વારા આ સ્કીમનો ઉપયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ પાછલા બારણે યુકેમાં નોકરી મેળવવા થઇ રહ્યો છે. આ સ્કીમ જાણે કે યૂથ મોબિલિટી સ્કીમ બની રહી છે.
બીજીતરફ આ રિપોર્ટની ટીકા કરતા આઇએનએસએએ જણાવ્યું છે કે યુકેમાં અભ્યાસની ગુણવત્તા અને નોકરીની સંખ્યાના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હતાશ થયાં છે. આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સના કારણે જ યુકેની યુનિવર્સિટીઓ ચાલી રહી છે. આઇએનએસએના નેશનલ પ્રેસિડેન્ટ અમિત તિવારીએ જણાવ્યું હતં કે, આ રિપોર્ટ પૂરવાર કરે છે કે યુકેની યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાના કુશળ કર્મચારીઓ તૈયાર કરવામાં નિષ્ફળ જઇ રહી છે અને તેમના દ્વારા અપાતા શિક્ષણની યુકેમાં જ માગ રહી નથી. તેના કારણે કુશળ ભારતીય વિદ્યાર્થીઓ ભારત અથવા તો અન્ય દેશોમાં પરત ફરી રહ્યાં છે. અમે સત્તાવાળાઓને યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરાતા અભ્યાસક્રમોની ચકાસણી કરવાની અપીલ કરીએ છીએ.

