યુકેમાં આઠ જૂને ચૂંટણીઃ થેરેસાનો પ્રસ્તાવ અભૂતપૂર્વ બહુમતીથી પસાર

Tuesday 18th April 2017 10:18 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ વાટાઘાટોમાં બ્રિટનની નેતાગીરીનો હાથ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે યુકેમાં આઠ જૂને મધ્યસત્ર ચૂંટણી યોજવાના વડા પ્રધાન થેરેસા મેના પ્રસ્તાવને બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા પછી અભૂતપૂર્વ બહુમતીથી પસાર કરી દેવાયો હતો. પ્રસ્તાવની તરફેણમાં ૫૨૨ અને વિરુદ્ધમાં માત્ર ૧૩ મત પડ્યા હતા. લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીએ પણ સામાન્ય ચૂંટણી વહેલી કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. જોકે, લેબર પાર્ટીના ૯ સાંસદોએ તેમના નેતા જેરેમી કોર્બીનની સલાહ ફગાવી વિરુદ્ધમાં મત આપ્યો હતો. સંખ્યાબંધ સાંસદો મતદાનથી અળગાં રહ્યાં હોય તેમ જણાઈ આવ્યું છે. હવે રાજકીય પક્ષો સાત સપ્તાહ સુધી ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત થઈ જશે. વડા પ્રધાન થેરેસા મેએ લેબર પાર્ટીના ગઢ ગણાતા બોલ્ટન મતક્ષેત્રમાં પ્રચારની શ્રીગણેશ કર્યાં હતાં.

અગાઉ, વડા પ્રધાન થેરેસા મેએ તમામને આંચકો આપતી મધ્યસત્ર સામાન્ય ચૂંટણી યોજવાનો મનસૂબો જાહેર કરી દીધો છે. ઐતિહાસિક બ્રેક્ઝિટની વાટાઘાટોમાં પોતાનો હાથ મજબૂત રહે તેવી ઈચ્છા સાથે તેમણે ૮ જૂને ચૂંટણી યોજવા જાહેરાત કરી હતી. થેરેસા મેએ પોતાની યોજનામાં આગળ વધવું હશે તો બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોનો મત મેળવવો પડશે. જોકે, આ ફોર્માલિટી બની રહે તેવી શક્યતા વધુ છે કારણકે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને મધ્યસત્ર ચૂંટણીને આવકારી પોતાનું સમર્થન આપ્યું છે. મંગળવારે કેબિનેટના ઉચ્ચ મિનિસ્ટર્સ સાથેની બેઠક પછી વડા પ્રધાને આ જાહેરાત કરી હતી. આ ચૂંટણી યોજાશે તો કન્ઝર્વેટિવ પાર્ટી ભારે બહુમતી સાથે ફરી સત્તા પર આવવાના ઉજળા સંકેતો મળે છે.

બ્રિટનને ઐતિહાસિક બ્રેક્ઝિટ ડીલિવર કરવા આવશ્યક ‘મજબૂત અને સ્થિર’ નેતૃત્વ આપવાના ઉદ્દેશ સાથે વડા પ્રધાન થેરેસા મેએ આઠ જૂને મધ્યસત્ર ચૂંટણી યોજવાની જાહેરાત સાથે તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે કારણકે થોડા સમય અગાઉ ૨૬ માર્ચે જ તેમણે મધ્યસત્ર ચૂંટણીની શક્યતાને ભારપૂર્વક નકારી હતી. વડા પ્રધાન મેએ જણાવ્યું હતું કે વેસ્ટમિન્સ્ટરમાં નિર્બળતા બ્રેક્ઝિટની વાટાઘાટોમાં તેમના હાથ બાંધી દેશે. જેરેમી કોર્બીનના નબળા નેતૃત્વથી લેબર પાર્ટી સામે ચૂંટણી લડવાથી તેમને કોમન્સમાં ભારે બહુમતી મળી શકશે તેવી ધારણા સાથે તેમણે આ પગલું લીધું હોવાનું કહેવાય છે. આંચકાપૂર્ણ જાહેરાતમાં વિરોધપક્ષો બ્રેક્ઝિટને નિષ્ફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે વિપક્ષો દેશના લાખો વર્કિંગ લોકોની સલામતીને જોખમમાં મૂકે તેમ કરવા દેવા તેમની તૈયારી નથી.

નં.-૧૦, ડાઉનિંગ સ્ટ્રીટના દ્વારેથી બોલતાં થેરેસા મેએ જણાવ્યું હતું કે બ્રિટનને મજબૂત નેતાગીરીની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વહેલી ચૂંટણી ‘યોગ્ય પગલું’ છે અને ‘રાષ્ટ્રીય હિત’માં છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે,‘આપણને સામાન્ય ચૂંટણીની જરૂર છે અને તે અત્યારે જ જોઈએ છે.’ તેમણે કહ્યું હતું કે,‘અમારાં વિરોધીઓ માને છે કે સરકારની બહુમતી પાતળી હોવાથી તેઓ અમારા નિર્ધારને નબળો પાડી શકશે અને માર્ગ બદલવા દબાણ લાવી શકશે. દેશના લાખો લોકોની સલામતી તેઓ જોખમાવે તેના માટે હું તૈયાર નથી. આપણે કાલે જ ચૂંટણી માટે મતદાન કરીએ અને લોકોને તેમનો નિર્ણય લેવાં દઈએ.’

થેરેસા મેનું પલડું અત્યારે ભારે છે

તાજેતરના પોલ્સના તારણો સૂચવે છે કે થેરેસા મેને કોમન્સમાં ૧૦૦ કે તેથી વધુ બેઠકની બહુમતી મળી શકે છે. જેરેમી કોર્બીન અને થેરેસા મેમાંથી સૌથી સારા વડા પ્રધાન કોણ બની શકે તેમ પૂછાયું ત્યારે મતદારોએ કોર્બીનની સરખામણીએ થેરેસાને ૩૦ ટકા વધુ મત આપ્યાં હતાં. પોૌલ્સમાં ટોરી પાર્ટીને લેબર પાર્ટી પર બે આંકડાની સરસાઈ મળતી જ રહી છે. બીબીસી દ્વારા ૧૮ એપ્રિલે પોલ ઓફ પોલ્સ જાહેર કરાયો હતો, જેમાં કન્ઝર્વેટિવ્ઝને ૪૩ ટકા,લેબર પાર્ટીને ૨૫ ટકા, UKipને ૧૧ ટકા, લિબ ડેમોક્રેટ્સને ૧૦ ટકા, SNPને ૫ ટકા અને ગ્રીન પાર્ટીને ૪ ટકા મત મળશે તેમ જણાવાયું હતું. તાજા વિશ્લેષણો મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીને વધુ ૫૬ બેઠક મળી શકે છે. યુગવના તાજા પોલમાં થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીને ૪૪ ટકા બેઠક અપાઈ છે, જે લેબર પાર્ટીની ૨૩ ટકા કરતા લગભગ બમણી છે. વર્તમાન હાઉસ ઓફ કોમન્સની ૬૫૦ બેઠકમાંથી કન્ઝર્વેટિવ પાર્ટી ૩૩૧ બેઠક, લેબર પાર્ટી ૨૩૨, SNP૫૬, લિબ ડેમ ૦૮, UKip ૦૧ અને ગ્રીન પાર્ટી પણ ૦૧ બેઠક ધરાવે છે. બાકીની ૨૧ બેઠકો અન્ય પક્ષો પાસે છે.

વહેલી ચૂંટણીને જેરેમી કોર્બીનનો આવકાર

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને વહેલી ચૂંટણીની થેરેસા મેની જાહેરાતને આવકારી હતી. વહેલી ચૂંટણીથી લેબર પાર્ટીનો રકાસ થશે તેવા પોલ્સના તારણો છતાં કોર્બીને અવારનવાર તેઓ વહેલી ચૂંટણી માટે મત આપશે તેમ કહ્યું જ છે. તેમણે પણ ૨૬ માર્ટે લેબર પાર્ટી વહેલી ચૂંટણી માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. કોર્બીને કહ્યું હતું કે,‘બહુમતીના હિતોને પ્રાધાન્ય આપે તેવી સરકાર માટે મત આપવાની પસંદગી બ્રિટિશ લોકોને આપવાના વડા પ્રધાનનાં નિર્ણયને હું આવકારું છું. અર્થતંત્રના પુનઃનિર્માણમાં નિષ્ફળ, જીવનધોરણ નીચું લાવનાર, શાળાઓ અને NHSના ભંડોળમાં ભારે કાપ મૂકનારી સરકારનો અસરકારક વિકલ્પ લેબર પાર્ટી પૂરો પાડશે.’ જોકે, કોર્બીનને તેમના જ પક્ષમાંથી વિરોધનો સામનો કરવો પડશે. લેબર સાંસદ ટોમ બ્લેન્કિન્સોપે જાહેર કર્યું હતું કે કોર્બીનના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવા કરતા તેઓ પાર્લામેન્ટને છોડવાનું પસંદ કરશે.

ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટ

બુધવારે થેરેસા મેની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત અંગે હાઉસ ઓફ કોમન્સમાં મતદાન કરવામાં આવશે. ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટ હેઠળ ચૂંટણીઓ વચ્ચે પાંચ વર્ષનો સમયગાળો જરૂરી ગણાય છે. આ કાયદા હેઠળ યુકેમાં સામાન્ય ચૂંટણી મે ૨૦૨૦માં યોજી શકાય. એમ માનવામાં આવે છે કેઆ જોગવાઈને ફગાવવા સાંસદોની બે તૃતીઆંશ બહુમતી જોઈશે તે વડા પ્રધાન મેળવી શકશે. આ કાયદા મુદ્દે અન્ય ઈયુ નેતાઓની બેઠક ૨૯ એપ્રિલે મળવાની છે. આ કાયદાથી વહેલી ચૂંટણી જાહેર કરવાની વડા પ્રધાનની સત્તા છીનવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter