લંડનઃ યુકેમાં ફિલ્મ ઇમરજન્સીનાં હિંસક વિરોધની ઘટના અંગે ભારતે ચિંતા વ્યક્ત કરીને વાંધો રજૂ કર્યો છે. ભારતનાં વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે યુકેની સરકાર કાયદેસરની પ્રવૃત્તિઓમાં અવરોધો સર્જનારા લોકોની જવાબદારી નક્કી કરીને તેમને યોગ્ય સજા કરે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, યુકેનાં કેટલાક થિયેટરોમાં દર્શાવવામાં આવતી ફિલ્મ ઈમરજન્સીનો હિંસક વિરોધ કરી રહ્યા છે. અમે ભારત વિરોધી તત્ત્વો દ્વારા કરાતા આવા હિંસક વિરોધ અને ધમકીની ઘટનાઓ અંગે યુકે સરકાર સામે ચિંતા વ્યક્ત કરી છે. કોઈપણ ભાષણ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની પસંદગીનાં ધોરણે છૂટ આપી શકાય નહીં. જેને અવરોધનારાઓને જવાબદાર ઠેરવીને તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અમને આશા છે કે બિટનની સરકાર દ્વારા જવાબદારો સામે યોગ્ય પગલાં લેવામાં આવે. લંડનમાં અમારું હાઈકમિશન ભારતીય સમુદાય અને સભ્યોની સુરક્ષા તેમજ લાભ માટે સતત તેનાં સંપર્કમાં છે.

