યુકેમાં ઇમિગ્રેશન અઘરૂ બનશે, અમલની તારીખો જાહેર

19મી ફેબ્રુઆરીએ નવા નિયમોની જાહેરાત, કેર વર્કર્સ માટેના નિયમો 11 માર્ચ, સ્કીલ્ડ વર્કર્સ માટેના નિયમો 4 એપ્રિલ અને ફેમિલી વિઝા માટેના નિયમોનો 11 એપ્રિલથી અમલ શરૂ થશે

Tuesday 06th February 2024 10:44 EST
 
 

લંડનઃ સુનાક સરકારે ઇમિગ્રેશન માટેના નિયમો આકરા બનાવતાં જાહેરાત કરી છે કે 4 ડિસેમ્બર 2023ના રોજ લીગલ ઇમિગ્રેશનમાં કરાયેલા મોટા સુધારાનો અમલ આગામી સપ્તાહોમાં શરૂ થઇ જશે. આ અંગે જાહેરાત કરતાં હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, લીગલ ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા બ્રિટનમાં આવતા લોકો અને તેમના પરિવારજનો પર સંખ્યાબંધ નવા નિયંત્રણો લાદવા અંગેની વેતન મર્યાદાનો આગામી કેટલાક સપ્તાહમાં અમલ શરૂ થઇ જશે.

31 જાન્યુઆરી બુધવારના રોજ ઇમિગ્રેશન મિનિસ્ટર ટોમ પર્સગ્લોવે લીગલ ઇમિગ્રેશનમાં મોટા બદલાવના અમલની વિગતો એક લેખિત નિવેદનમાં જારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુકેમાં કામ કરવા, મુલાકાત કરવા અને અભ્યાસ કરવા આવતા લોકોની સંખ્યા નિયંત્રિત કરવા અમે પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ ધરાવીએ છીએ. તેના દ્વારા અમે યુકેના અર્થતંત્રમાં વિકાસ માટે જરૂરી કુશળતા અને ટેલેન્ટને પ્રાથમિકતા આપીએ છીએ.

તેમણે જણાવ્યું હતું કે, 19મી ફેબ્રુઆરીના રોજ સરકાર ઇમિગ્રેશન નિયમોની જાહેરાત કરશે જે અંતર્ગત પોતાના આશ્રિતોને યુકેમાં લાવવાનો અધિકાર કેર વર્કર્સ પાસેથી છીનવાઇ જશે. આ નિયમો 11 માર્ચ 2024થી અમલી બનશે. જે કેર પ્રોવાઇડર્સ કેર ક્વોલિટી કમિશન દ્વારા રેગ્યુલેટેડ પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તેઓ જ માઇગ્રન્ટ વર્કર્સને સ્પોન્સર કરી શકશે.

તેમણે જણાવ્યું હતું કે, 14મી માર્ચે સ્કીલ્ડ વર્કર રૂટ દ્વારા યુકેમાં આવતા વિદેશી કામદારો માટેની પગાર મર્યાદા વધારતા નિયમોની જાહેરાત કરાશે. આ બદલાવ અંતર્ગત લઘુત્તમ વેતન મર્યાદા 26200 પાઉન્ડથી વધારીને 38700 પાઉન્ડ પ્રતિ વર્ષ કરાઇ છે. આ બદલાવ 4 એપ્રિલથી અમલમાં આવશે. જોકે હેલ્થ અને કેર વિઝા પર આવતા લોકોને આ વેતન મર્યાદામાંથી મુક્તિ અપાઇ છે. નેશનલ પે સ્કેલ ઓક્યુપેશન પરના કામદારોને પણ આ વેતન મર્યાદામાંથી મુક્તિ અપાઇ છે. 

પર્સગ્લોવે જણાવ્યું હતું કે, ફેમિલી વિઝા માટેની વેતન મર્યાદા સ્કીલ્ડ વર્કર્સ માટે 38700 પાઉન્ડ કરાશે. આ વેતન મર્યાદા તબક્કાવાર વધારવામાં આવશે. 14મી માર્ચે જારી થનારા ઇમિગ્રેશન નિયમોનો અમલ 11 એપ્રિલથી કરાશે. સૌથી પહેલાં આ વેતન મર્યાદા વધારીને 29000 પાઉન્ડ કરાશે. બીજા તબક્કામાં 34500 પાઉન્ડ અને ત્યારબાદ 38700 પાઉન્ડ કરાશે.

ઇમિગ્રેશન સુધારા અને અમલની તારીખો

-          11 માર્ચથી કેર વર્કરો દ્વારા આશ્રિતોને યુકેમાં લાવતા અટકાવવાના નિયમો અમલમાં આવશે,કેર પ્રોવાઇડર્સ માઇગ્રન્ટ વર્કર્સ માટે કેર ક્વોલિટી કમિશનમાં નોંધણી કરાવવી પડશે

-          4 એપ્રિલથી સ્કીલ્ડ વર્કર્સ માટેની વેતન મર્યાદા 26,200 પાઉન્ડથી વધારીને 38,700 પાઉન્ડ કરવાનો અમલ શરૂ થશે

-          11 એપ્રિલથી ફેમિલી વિઝા પર આશ્રિતોને યુકેમાં લાવવાની વેતન મર્યાદા  18,600 પાઉન્ડથી વધારીને 29,000 પાઉન્ડ કરાઇ છે. બીજા તબક્કામાં 34,500 પાઉન્ડ અને ત્યારબાદ 38,700 પાઉન્ડ કરાશે. જેની તારીખો હજુ જાહેર કરાઇ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter