લંડનઃ 2022માં નેટ ઇમિગ્રેશન 7,50,000 પર પહોંચી ગયા બાદ હવે રિશી સુનાકની સરકારે નવા આકરા ઇમિગ્રેશન નિયમો જાહેર કર્યાં છે. સોમવારે નવા નિયમોની જાહેરાત કરતા હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા માટે હું આકરાં પગલાં લઇ રહ્યો છું. જોકે ટીકાકારોનું કહેવું છે કે આકરા નિયમોના કારણે કામદારોની અછત વેઠી રહેલાં હેલ્થ અને સોશિયલ કેર સેક્ટરોમાં હાડમારી વધશે. નવા નિયમો અંતર્ગત ઇમિગ્રન્ટ્સને વર્ક વિઝા મેળવવા માટે વધુ આવક મેળવવી પડશે અને પરિવારજનોને યુકેમાં લાવવા અઘરાં બનશે.
ઇતિહાસમાં કોઇ વડાપ્રધાને આવાં પગલાં ભર્યાં નથીઃ સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, નેટ માઇગ્રેશન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે અને તેમાં બદલાવ લાવવા હું પ્રતિબદ્ધ છું. અમે તાજેતરમાં જ નેટ માઇગ્રેશનમાં સૌથી મોટો ઘટાડો કરવા માટેની જાહેરાત કરી છે. ઇતિહાસમાં કોઇ વડાપ્રધાન દ્વારા આ પ્રકારના પગલાં લેવાયાં નથી.


