યુકેમાં ઇમિગ્રેશન ઘટાડવા સ્ટાર્મરનો નવો હથકંડોઃ નવી નીતિ પર વિપક્ષની પસ્તાળ

ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ નહીં કરાય તો યુકે અજાણ્યાઓનો ટાપુ બની જવાનું જોખમ, નવી યોજના ઇમિગ્રેશન સિસ્ટમને નિયંત્રિત અને પારદર્શક બનાવશેઃ વડાપ્રધાન

Tuesday 13th May 2025 11:02 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા ઇમિગ્રેશન વ્હાઇટ પેપરની સોમવારે જાહેરાત કરી હતી. વ્હાઇટ પેપર પ્રસિદ્ધ કરાય તે પહેલાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા સરકારે નિર્ણાયક યોજના તૈયાર કરી છે. ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ નહીં કરાય તો યુકે અજાણ્યાઓનો ટાપુ બની જવાનું જોખમ છે. નવી ઇમિગ્રેશન યોજના ઇમિગ્રેશન સિસ્ટમને નિયંત્રિત અને પારદર્શક બનાવશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, યુકેમાં સ્થાયી થવાની તક તમારે પોતે હાંસલ કરવી પડશે, તે એક અધિકાર નથી. જે કોઇ યુકેમાં રહેવા માગે છે તેણે અમારી ભાષા શીખવી પડશે અને જોડાણ સાધવું પડશે. સરકારના આ પગલાંથી માઇગ્રેશનમાં ઘટાડો થશે. સરકાર ભવિષ્યમાં વધુ પગલાં લઇ શકે છે. હું એક વાત સ્પષ્ટ કરી દેવા માગુ છું કે જો વધુ પગલાંની જરૂર પડશે, હાઉસિંગ અને જાહેર સેવા પર દબાણ ઘટાડવા માટે પગલાં લેવા પડશે તો યાદ રાખો કે અમે પગલાં લઇશું.

સરહદો પર નિયંત્રણ પાછું મેળવવાની પ્રતિજ્ઞા કરતાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, રેકોર્ડ સ્તરે પહોંચેલું માઇગ્રેશન રાજનીતિ અને અર્થતંત્ર માટે બેદરકાર અધ્યાય છે. આ યોજનાથી નેટ ઇમિગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. જોકે માઇગ્રેશનની સંખ્યામાં કેટલો ઘટાડો કરાશે તેનો લક્ષ્યાંક વડાપ્રધાન દ્વારા અપાયો નથી.

તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રો ન્યાયી નિયમો પર આધાર રાખે છે. તેના દ્વારા આપણા મૂલ્યોને આકાર મળે છે, આપણા અધિકારો તરફ દોરી જાય છે સાથે સાથે જવાબદારીઓનું ભાન પણ કરાવે છે. આપણા જેવા વૈવિધ્યતાસભર દેશ માટે નિયમો અત્યંત મહત્વના બની જાય છે.

સ્ટાર્મર પોતે પાળી ન શકે તેવા વચનો આપી રહ્યાં છેઃ રિફોર્મ યુકે

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, સ્ટાર્મર પોતે પાળી ન શકે તેવા વચનો આપી રહ્યાં છે. ફરાજે જણાવ્યું હતું કે, રિફોર્મ યુકે સામેની સ્ટાર્મરે લડાઇ છેડી તે જ દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં 250 માઇગ્રન્ટ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા છે. તેમાં ઇરાનિયન ટેરરિસ્ટ કેટલાં છે.

સ્ટાર્મર સરહદોની સુરક્ષા કરશે તેવો વિશ્વાસ કરી શકાય નહીઃ કન્ઝર્વેટિવ પાર્ટી

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે વડાપ્રધાન પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, લેબર પાર્ટી સરહદોની સુરક્ષામાં માનતી નથી. એકસમયે સ્ટાર્મર ઇમિગ્રેશન કાયદાઓને રેસિસ્ટ ગણાવતા હતા. તો પછી કેવી રીતે વિશ્વાસ કરી શકાય કે તેઓ ઇમિગ્રેશન ઘટાડવા માગે છે. અગાઉ મેં જ્યારે બ્રિટિશ નાગરિકતા માટેના ઓટોમેટિક રૂટને બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે સરકાર હસતી હતી. સ્ટાર્મરે માઇગ્રેશન ઘટાડવાના અમારા પ્રયાસોની વિરુદ્ધમાં મત આપ્યો હતો. હવે તે એમ બતાવવા માગે છે કે તેમને ચિંતા છે. લેબરનો વિશ્વાસ કરી શકાય નહીં.

સરકાર નવા નિયમોથી સ્થિતિ વધુ વણસાવી રહી છેઃ ગ્રીન પાર્ટી

ગ્રીન પાર્ટીના નેતા કાર્લા ડેનયરે જણાવ્યું હતું કે, માઇગ્રેશન પર નવા નિયમો દ્વારા સરકાર સ્થિતિને વધુ વણસાવી રહી છે. વડાપ્રધાન સ્ટાર્મર નાઇજલ ફરાજની જેમ વર્તવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેનાથી રિફોર્મના હાથે લેબર પાર્ટીને પરાજિત થતાં અટકાવી શકશે નહીં. સરકારે વિઝા પર તરાપ મારવાને બદલે પગાર અને સ્થિતિમાં સુધારા કરવા જોઇએ.

સરકારે લીધેલાં પગલાં યોગ્ય છેઃ લિબરલ ડેમોક્રેટ

ગૃહ બાબતોના લિબરલ ડેમોક્રેટ પ્રવક્તા લિસા સ્માર્ટે જણાવ્યું હતું કે, ભાંગી પડેલી ઇમિગ્રેશન સિસ્ટમની મરામત માટે સરકારે લીધેલાં પગલાં યોગ્ય છે. અગાઉની કન્ઝર્વેટિવ સરકારના મિસમેનેજમેન્ટના કારણે આપણી ઇમિગ્રેશન સિસ્ટમ અંધાધૂંધીમાં સપડાઇ છે અને જનતાનો વિશ્વાસ ખૂટી ગયો છે. જોકે સરકારે બ્રિટિશ કામદારોની નિયુક્તિ માટે સ્પષ્ટ યોજના તૈયાર કરવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter