યુકેમાં ઈન્ડિયા વેરિએન્ટના ૧૦૩ કેસથી ભારે દહેશતઃ ભારત રેડ લિસ્ટમાં મૂકાયું

Wednesday 21st April 2021 07:44 EDT
 
 

લંડનઃ યુકેમાં ઈન્ડિયા વેરિએન્ટના ૧૦૩ કેસથી ભારે દહેશત ફેલાઈ છે અને શુક્રવાર ૨૩ એપ્રિલથી ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દેવાયું છે. ભારતથી આવતા તમામ પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. માત્ર બ્રિટિશ અને આઈરિશ રહેવાસીઓ ફરજિયાત હોટેલ ક્વોરેન્ટાઈન પછી જ દેશમાં પ્રવેશી શકશે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ ભારતમાં અનિયંત્રિત કોરોના કેસીસના કારણે પોતાની ભારત મુલાકાત રદ કરી છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ભારતમાં દેખાયેલા નવા કોરોના મ્યુટન્ટ વાઈરસથી સર્જાયેલી ચિંતાના કારણે આ પગલું સાવચેતીના ધોરણે લેવાયું છે. યુકેમાં ઈન્ડિયા વેરિએન્ટના ૧૦૩ કેસ જોવાં મળતા શુક્રવાર સવારના ૪.૦૦ કલાકથી ભારતથી આવનારા પ્રવાસીઓ માટે નિયંત્રણો લાગુ કરાશે. દેશમાં આગમનના ૧૦ દિવસ પહેલા ભારતમાં રહેલા બ્રિટિશ અને આઈરિશ રહેવાસીઓએ હોટેલ ક્વોરેન્ટાઈનમાં સમય ગાળવો પડશે. હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઈન્ડિયા વેરિએન્ટના ૧૦૩ કેસ મળી આવ્યા છે. આમાંથી બહુમતી કેસ આંતરરાષ્ટ્રીય પ્રવાસ સાથે સંકળાયેલા છે અને બોર્ડર પર ટેસ્ટિંગથી તેની જાણકારી મળી હતી.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા બ્રિટનમાં ઈન્ડિયા વેરિએન્ટના કેસ શોધાયાની જાહેરાતથી લોકડાઉનમાંથી બહાર નીકળવાના રોડમેપને અસર થઈ શકે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપવા સાથે ભારતને રેડ લિસ્ટમાં મૂકવા પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને અપીલ કરી હતી. વિજ્ઞાનીઓનું કહેવું હતું કે આ મ્યુટન્ટ વેરિએન્ટ કોરોના વેક્સિનને ઓછી અસરકારક બનાવી શકે છે.

બ્રિટનમાં ઈન્ડિયા વેરિએન્ટના કેસ છેક ફેબ્રુઆરીથી જોવાં મળી રહ્યાં છે પરંતુ, તે સમયે તેનું મહત્ત્વ જણાયું ન હતું. ભારતમાં દેખાયેલા નવા મ્યુટન્ટ વેરિએન્ટથી ઈંગ્લેન્ડમાં ૨૧ જૂન સુધીમાં તમામ નિયંત્રણો ઉઠાવી લેવાનો લોકડાઉન રોડમેપ મુશ્કેલીમાં મૂકાય તેવી ચિંતા સર્જાઈ છે. આ મ્યૂટન્ટ સ્ટ્રેનના કારણે ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણની ચિંતાજનક લહેરથી કેસીસ વધતા જાય છે. ભારતમાં પ્રતિ મિલિયન ૧૨૭ કેસનો સંક્રમણ દર છે જેની સામે યુકેમાં હાલ આ દર ૨૩ પ્રતિ મિલિયન છે.

ઈમ્પિરિયલ કોલેજના પ્રોફેસર ડેની આલ્ટમેને જણાવ્યું હતું કે ઈન્ડિયા વેરિએન્ટની સંભવિત અસર સામે યુકેએ ચિંતિત થવાની જરુર છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે B.1.617 તરીકે ઓળખાયેલા સ્ટ્રેનની તપાસ ચાલુ છે. યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લિઆમાં મેડિસીનના પ્રોફેસર પોલ હન્ટરે જણાવ્યું હતું કે આ સ્ટ્રેનમાં બે ‘એસ્કેપ મ્યુટેશન્સ’ E484Q અને L452R  જણાયા છે. જેનાથી વાઈરસ માટે વેક્સિનેશન અથવા અગાઉના ચેપથી મળેલાં એન્ટિબોડીઝની અસરથી દૂર રહેવાનું સહેલું બને છે. વેક્સિનથી તેના પર અંકુશ મેળવવો મુશ્કેલ બની શકે છે. જોકે, તે ચોકસાઈથી કહેવું પણ મુશ્કેલ છે.

આ દેશો રેડ લિસ્ટમાં મૂકાયા છે

ભારતને યુકેમાં પ્રવેશ માટેના રેડ લિસ્ટમાં મૂકાયું છે અને રેડ લિસ્ટ દેશોના લોકો ગત ૧૦ દિવસમાં જે તે દેશમાં હોય તેમને યુકેમાં પ્રવેશનો ઈનકાર કરાયો છે. બ્રિટિશ અથવા આઈરિશ નાગરિકો તેમજ યુકે રેસિડેન્સીના અધિકાર સાથેના લોકો રેડ લિસ્ટના દેશોમાંથી બ્રિટન પરત ફરી શકે છે પરંતુ, તેમણે ૧૦ દિવસ માટે હોટલમાં ફરજિયાત ક્વોરેન્ટાઈન થવાનું રહે છે.

• અંગોલા • આર્જેન્ટીના • બાંગલાદેશ • બોલિવીઆ • બોટ્સવાના • બ્રાઝિલ • બુરુન્ડી • કેપ વર્ડે • ચિલી • કોલંબિયા • ડેમોક્રેટિક રિપ. ઓફ કોંગો • ઈક્વેડોર • એવાસ્ટિની • ઈથિઓપીઆ • ફ્રેન્ચ ગુયાના • ગુયાના •ભારત • કેન્યા • લીસોથો • માલાવી • મોઝામ્બિક •નામિબીઆ • ઓમાન • પાકિસ્તાન • પનામા • પારાગ્વે • પેરુ • ફિલિપાઈન્સ • કતાર • રવાન્ડા • સેશેલ્સ • સોમાલિઆ • સાઉથ આફ્રિકા • સુરિનામ • ટાન્ઝાનિયા • યુનાઈટેડ આરબ અમિરાત (UAE) • ઉરુગ્વે • વેનેઝૂએલા • ઝામ્બીઆ • ઝિમ્બાબ્વે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter