યુકેમાં ઉબેર રાઈડ્સના ભાડાં વધશે

Wednesday 16th March 2022 00:45 EDT
 
 

લંડનઃ સમગ્ર યુકેમાં ઉબેર એપ દ્વારા બૂક કરાતી તમામ રાઈડ્સ પર 20 ટકાનો VAT અમલી થવાના કારણે સોમવારની રાતથી જ તેના ભાડાં વધી ગયાં છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TFL) દ્વારા ટ્રાન્સપોર્ટેશનના ભાડાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સરેરાશ 3.8 ટકા અને લંડન માટે સરેરાશ 4.8 ટકા વધી ગયાના બે સપ્તાહ પછી લોકોના માથે નવો ભાડાંવધારો ઝીંકાયો છે. ગત ડિસેમ્બરમાં ઉબેરને એજન્ટ નહિ પરંતુ, કોન્ટ્રાક્ટર ગણવાના હાઈ કોર્ટના ચુકાદાના પગલે આ ફેરફાર થયો છે.

ઉબેર સર્વિસે તેની એપના વપરાશકારોને ઈમેઈલમાં જણાવ્યું છે કે સોમવારની રાતથી અમલી થતાં ફેરફાર મુજબ પેસેન્જર હવે ટ્રાન્સપોર્ટ સેવા માટે ડ્રાઈવર સાથે નહિ પરંતુ, સીધા ઉબેર સાથે કોન્ટ્રાક્ટમાં આવશે. ઉબેર દ્વારા જણાવાયું છે કે હાઈ કોર્ટના ચુકાદાના પગલે ભાડાં વધારવા પડશે અને વધારાનો VAT ચાર્જ ભાડાં-કિંમતમાં ઉમેરી લેવાશે અને પેસેન્જરને અલગથી દર્શાવાશે નહિ.

ઉબેરના પ્રવક્તાએ ધ ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું કે તેમના બિઝનેસ મોડેલમાં કાયદાનુસાર આવશ્યક ફેરફાર કરી લેવાયા છે. લંડનમાં અન્ય ઓપરેટરોએ પણ સંબંધિત કાયદાને સુસંગત ફેરફાર કરવા પડશે. પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે શહેર-શહેર ભાડાનો વધારો અલગ રહેશે અને કેટલીક જગ્યાએ કેટલાક ભાડાંમાં સબસિડી પણ અપાશે. હાઈ કોર્ટનો ચુકાદો ઉબેરને માત્ર લંડનમાં લાગુ પડતો હોવાં છતાં, સંભવિત કાનૂની ફેરફારોને ધ્યાનમાં રાખી રાષ્ટ્રવ્યાપી ફેરફાર લાગુ કરાયો છે. ઉલ્લેખનીય છે કે મહામારી દરમિયાન સ્ટાફ ઘટી ગયા પછી વધુ ડ્રાઈવર્સને આકર્ષવાના પ્રયાસમાં ઉબેર દ્વારા નવેમ્બર 2021માં 10 ટકાનો ભાડાંવધારો કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter