લંડન
છેલ્લા એક દાયકામાં યુકેમાં બ્રહ્મચર્ય તરફ વળનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એક રિસર્ચમાં યુકેના સૌથી વધુ અને સૌથી ઓછું બ્રહ્મચર્યનું પાલન કરતા શહેરોની યાદી તૈયાર કરાઇ છે. બ્રિટનમાં બ્રહ્મચર્યનું પાલન કરતા લોકોના મામલે લેસ્ટર સૌથી મોખરે છે. ત્યારબાદ લ્યૂટન, રેમફોર્ડ, ગ્લાસગો અને વાલસાલનો નંબર આવે છે. આ શહેરોમાં બ્રહ્મચર્યનું પાલન કરતા લોકોની સંખ્યા ઘણી છે. જેની સામે બ્રહ્મચર્યના પાલનમાં નહીં માનનારા શહેરોમાં લંડન, લીવરપૂલ, બર્મિંગહામ, બ્રિસ્ટોલ અને પોર્ટ્સમાઉથનો સમાવેશ થાય છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જીવનમાંથી સેક્સનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા છેલ્લા એક દાયકામાં 12 ટકાથી વધીને 20 ટકા પર પહોંચી છે. લેસ્ટરમાં 28 ટકા લોકો બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યાંનું સામે આવ્યું છે.
રિલેશનશિપ એક્સપર્ટ વેલોન અસાની કહે છે કે બ્રહ્મચર્યનું પાલન કેટલાક લોકોને પોતાના વ્યક્તિગત વિકાસ અને તેમના જીવનના અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે. જો તમે બ્રહ્મચર્યનું પાલન કરવાનું વિચારી રહ્યાં છો તો મહત્વનું છે કે કયા કારણોસર તમે આ દિશામાં આગળ વધવા માગો છો તે વિચારવાનો સમય લો. શું તમે કોઇ આધ્યાત્મિક કે ધાર્મિક કારણસર બ્રહ્મચર્ય તરફ વળી રહ્યાં છો કે જીવનના અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા આ પ્રકારનો નિર્ણય લઇ રહ્યાં છો. શું તમે ભૂતકાળના ભયાનક અનુભવ અથવા તો સંવેદનશીલ જટિલતાઓને ભૂલવા માટે બ્રહ્મચર્ય તરફ જવા માગો છો.
બ્રિટનમાં બ્રહ્મચર્યનું સૌથી વધુ અને સૌથી ઓછુ પાલન કરતા શહેરો
સૌથી વધુ પાલન કરતા શહેરો – ટકામાં ---- સૌથી ઓછું પાલન કરતા શહેરો – ટકામાં
લેસ્ટર – 28 ટકા -------- લંડન – 07 ટકા
લ્યૂટન – 26 ટકા -------- લીવરપૂલ – 11 ટકા
રોમફોર્ડ – 24 ટકા ------- બર્મિંગહામ – 13 ટકા
ગ્લાસગો – 24 ટકા ------- બ્રિસ્ટોલ – 14 ટકા
વાલસાલ – 23 ટકા ------ પોર્ટ્સમાઉથ – 15 ટકા


