લંડનઃ વિશ્વના ઘણાં દેશોમાં રોજગારીનો અભાવ છે, લોકોને કામ મળતું નથી પરંતુ, યુકેમાં બ્રિટનમાં કોરોના અને બ્રેક્ઝિટને કારણે વર્કર્સની ભારે અછત સર્જાઈ છે. યુકેમાં જુલાઈ મહિનામાં સૌપ્રથમ વખત નોકરીઓની ખાલી જગ્યાનો આંકડો એક મિલિયનથી પણ વધી ગયો છે. યુકેનું અર્થતંત્ર મજબૂત બન્યું છે પરંતુ, કેટલાક સેક્ટર્સને મજૂરોની તીવ્ર અછતનો સામનો કરવો પડે છે. જેના પરિણામે, યુકેની ફૂડ ફર્મ્સે જેલમાં રહેલા કેદીઓનો વર્કર્સ તરીકે ઉપયોગ કરવા દેવા સરકાર પાસે રજૂઆત કરી છે.
બ્રિટનમાં કેટલાક સપ્તાહોથી સુપરમાર્કેટ્સની ફળફળાદિ, વેજિટેબલ્સથી માંડી પાણીની બોટલ્સ, વાઈન અને બેક્ડ ગુડ્ઝ સહિતની અભરાઈઓ ખાલી પડી છે કારણકે કોવિડ-૧૯ અને બ્રેક્ઝિટના પગલે HGV ડ્રાઇવર્સ, ફ્રૂટ પિકર્સ અને ફેક્ટરી વર્કર્સની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમ તથા ફ્રેઈટ ટ્રેડ ગ્રૂપ લોજિસ્ટિક્સ યુકેએ બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગને પત્ર લખી સ્પષ્ટ કર્યું છે કે આશરે ૯૦,૦૦૦ HGV ડ્રાઇવર્સની અછત રીટેઈલર્સ અને તેમની સપ્લાય ચેઈન્સ પર ભારે દબાણ સર્જી રહેલ છે. બ્રેક્ઝિટ પછી ઈયુ દેશોમાં ગયેલા ઘણા વર્કર્સ પાછા ફર્યા નથી અને સપ્ટેમ્બરમાં બાળકો શાળાએ જતાં થશે અને વર્કર્સ ઓફિસીસમાં કામ પર પાછા ફરશે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
આ સંકટ નિવારવા કેટલીક કંપનીઓ બ્રિટિશ જેલોના કેદીઓની ભરતી કરવા આગળ વધી છે. આ યોજનામાં કેદીઓને દિવસના ભાગમાં સવેતન કામ કરવાની છૂટ અપાશે અને કામ પૂર્ણ થયા પછી જેલમાં પરત જશે. કેદીઓએ ઓક્ટોબર ૨૦૨૦ અને માર્ચ ૨૦૨૧ વચ્ચેના સમયગાળામાં કુલ ૫૮,૭૫૨ દિવસની જેલમુક્તિ અપાઇ હતી. હવે આ સંખ્યા સતત વધવાની શક્યતા છે. કામ માટે રખાયેલા કેદીઓ ભાગી ન જાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી તેને કામ પર રાખનાર કંપનીની રહે છે. બીજી તરફ, એસોસિયેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ મીટ સપ્લાયર્સ દ્વારા ફૂડ સપ્લાયર્સને કેદીઓને ફાળવવા પ્રાથમિકતા આપવા પ્રિઝન સર્વિસને જણાવાયું હતું પરંતુ, સ્ટાફની અછત ધરાવતી કંપનીઓ દ્વારા માગમાં ઉછાળો આવ્યા પછી તેમની પાસે ફાળવી શકાય તેવા વધારાના કેદી પણ રહ્યા નથી.
લોકડાઉન પછી બિઝનેસીસ ફરી કામકાજ કરવા લાગ્યા તે પછી વર્કર્સ શોધવાની ભારે તકલીફ ઉભી થઈ છે. પૂર્વ સૈનિકો અને મહિલાઓને કામે રાખવાનો પણ સંપર્ક કરાય છે. જુલાઈ મહિનામાં અંદાજે એક મિલિયન નોકરીઓની વિક્રમી ખાલી જગ્યા પડી છે. મહિલાઓને ફરી કામે લગાવવાનું કાર્ય કરતી ચેરિટી વર્કિંગ ચાન્સના કહેવા મુજબ ગત બે મહિનામાં વર્કર્સની શોધ કરતા બિઝનેસીસ દ્વારા પૂછપરછમાં દસ ગણો વધારો જોવાયો છે.